ગાંધીનગરમાં મચ્છર નિયંત્રણ માટે કાર્યવાહી: 93 સાઈટ ચેક, 15ને નોટિસ, 5ને દંડ!

લોકોમાં જાગૃતિ લાવવા માટે કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું હતું, જેમાં મચ્છરોથી બચવા અને બ્રીડિંગ અટકાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.

ગાંધીનગર, શુક્રવાર
ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા એ કમર કસી છે. GMCની આરોગ્ય ટીમે શહેરભરની 93 કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર સઘન ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન અનેક જગ્યાએ મચ્છર બ્રીડિંગના કેસો સામે આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ટીમે 15 સાઈટ્સને નોટિસ ફટકારી છે, જ્યારે 5 સાઈટ્સને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સરગાસનમાં 5 સાઈટને દંડ, 6ને નોટિસ
સરગાસનના ટીપી-8 (TP-8) વિસ્તારમાં મચ્છર બ્રીડિંગ મળી આવતા પાંચ સાઈટ્સ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. સામવેદ અમારા, એટમોસ કન્સ્ટ્રક્શન, શ્લોકમ શરણમ, રિદ્ધિ ઓટોમોટિવ સર્વિસ અને ગ્રીન લીફ રેસ્ટોરન્ટ – આ દરેકને રૂ. 2,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આ જ વિસ્તારમાં આવેલી સામવેદ ઓપેરા, એટમોસ સોલાર, સરિતા સરગમ, પાર્ક પેરેડાઇઝ, પલાસા અને શરણમ સ્કાયને નોટિસ આપવામાં આવી છે.

રાયસણ અને ટીપી-9માં પણ નોટિસ
રાયસણમાં આવેલી એપલ ગ્રીન, શ્રી એરાઈઝ અને અસર વિલા તેમજ ટીપી-9 વિસ્તારમાં આવેલી અશ્વમેઘ સિગ્નેચર અને ઝુન્દાલની સેપલ ગ્રીન-6માં પણ માઇનોર બ્રીડિંગ મળતા તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

GMCની કડક ચેતવણી
મહાનગરપાલિકાએ તમામ કન્સ્ટ્રક્શન સાઈટ માલિકોને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે, જો ભવિષ્યમાં કોઈ પણ સાઈટ પર મચ્છર બ્રીડિંગ મળશે, તો દંડ ઉપરાંત સાઈટ સીલ કરવામાં આવશે. આટલું જ નહીં, પરંતુ તેમની વિકાસ પરવાનગી પણ રદ કરવામાં આવશે. આ કડક પગલાં મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા અને જાહેર આરોગ્ય સુરક્ષિત રાખવા માટે લેવામાં આવી રહ્યા છે.

છેલ્લા એક અઠવાડિયાની કામગીરી
છેલ્લા એક અઠવાડિયામાં પણ GMCની આરોગ્ય ટીમે મચ્છર નિયંત્રણ માટે વ્યાપક કામગીરી કરી છે. જેમાં, લગભગ 5000થી વધુ ઘરો અને વ્યવસાયિક સ્થળોની મુલાકાત લઈ મચ્છર બ્રીડિંગ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ફોગિંગ અને લાર્વા કંટ્રોલની કામગીરી પણ સઘન બનાવવામાં આવી હતી, ખાસ કરીને પાણી ભરાયેલા વિસ્તારો અને કન્સ્ટ્રક્શન સાઈટ્સ આસપાસ. લોકોમાં જાગૃતિ લાવવા માટે કેમ્પેઈન પણ ચલાવવામાં આવ્યું હતું, જેમાં મચ્છરોથી બચવા અને બ્રીડિંગ અટકાવવા અંગે માહિતી આપવામાં આવી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!