ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરમાં આગ: ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી, કોઈ જાનહાનિ નહીં

થોડા સમય પહેલાં સેક્ટર-4માં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફાયર જવાનનું દુઃખદ અવસાન થયું હતું.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગરમાં એક મોટી દુર્ઘટના ટળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સોમાભાઈ ચૌહાણના ઘરમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડની સમયસર અને ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની વિગતો મુજબ, સૌપ્રથમ ઘરના સભ્યોએ જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ સળગતા સિલિન્ડરને હિંમતભેર ઘરની બહાર કાઢ્યો હતો અને તેને કાબૂમાં લેવા માટે ગોદડાં અને માટીનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આગ સતત ફેલાઈ રહી હતી. આ ભરચક વિસ્તાર હોવાથી સિલિન્ડર બ્લાસ્ટ થવાનો ભય લોકોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

સદ્ભાગ્યે, નવદીપ સોલંકીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, વિસ્તાર સાંકડો હોવાને કારણે ફાયર વાહન અંદર સુધી જઈ શક્યું નહોતું. તેમ છતાં, ફાયર ટીમે અદમ્ય સાહસ અને જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી તે એક રાહતની વાત છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલાં સેક્ટર-4માં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક ફાયર જવાનનું દુઃખદ અવસાન થયું હતું. હાલમાં ગાંધીનગર ફાયર વિભાગ ચીફ ફાયર ઓફિસર વગર કાર્યરત છે. આવી ઘટનાઓમાં થઈ રહેલો વધારો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે અને આ દિશામાં તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!