MITનો કમાલ: હવે શરીરમાં ઓટોમેટિકલી કંટ્રોલ થશે બ્લડ સુગર લેવલ!

આ ડિવાઇસ ડાયાબિટીસના દર્દીઓ માટે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે, જે તેમને લો બ્લડ સુગરના ગંભીર જોખમોથી બચાવવામાં મદદ કરશે અને તેમના જીવનની ગુણવત્તા સુધારશે.

અમદાવાદ, શુક્રવાર
ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર છે! મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એન્જિનિયર્સે એક અદ્ભુત ડિવાઇસ બનાવ્યું છે, જે શરીરમાં બ્લડ સુગર લેવલને ઓટોમેટિકલી કંટ્રોલ કરશે. આ દુનિયાનું પહેલું એવું ઇમ્પ્લાન્ટ ડિવાઇસ છે જે ખાસ કરીને એવા દર્દીઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમને હાઇપોગ્લાયસેમિયા એટલે કે લો બ્લડ સુગર થવા છતાં તેનો અહેસાસ નથી થતો.

શું છે આ નવું ડિવાઇસ અને કેવી રીતે કરશે કામ?
MIT દ્વારા વિકસિત આ નાનકડું ડિવાઇસ તમારી સ્કિનની અંદર ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. તે બ્લડ સુગરને સતત મોનિટર કરશે અને જ્યારે સુગર લેવલ ખૂબ ઘટી જશે, ત્યારે તે ગ્લુકાગોનનો ડોઝ આપોઆપ રિલીઝ કરશે. ગ્લુકાગોન એક હોર્મોન છે જે લીવરને શરીરમાં સ્ટોર થયેલી સુગરને બ્લડમાં રિલીઝ કરવાનો સંકેત આપે છે, જેનાથી બ્લડ સુગર લેવલ ફરીથી નોર્મલ થાય છે.

ઘણીવાર ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓને, ખાસ કરીને રાત્રે ઊંઘતી વખતે અથવા બાળકોને, સુગર લેવલ ઘટવાનો અહેસાસ થતો નથી. આવા સમયે, આ ઓટોમેટિક ડિવાઇસ જીવનરક્ષક સાબિત થઈ શકે છે. MITના કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ડેનિયલ એન્ડરસને જણાવ્યું કે, “અમારો મુખ્ય હેતુ એવા દર્દીઓને લો બ્લડ સુગરથી બચાવવાનો છે, જેઓ પોતાના શરીર દ્વારા મળતી ચેતવણીને સમજી શકતા નથી અથવા જાતે ગ્લુકાગોનનો ડોઝ લઈ શકતા નથી.”

કેવી રીતે બન્યું છે આ ડિવાઇસ?
આ ડિવાઇસને 3D પ્રિન્ટેડ પોલિમરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં દવા ગ્લુકાગોન પાવડરનો એક નાનો પેકેટ રિઝર્વમાં હોય છે. આ પેકેટને શેપ મેમરી એલોયથી સીલ કરવામાં આવ્યું છે, જે નિકલ-ટાઈટેનિયમના મેટલ કમ્પોનન્ટથી બનેલું છે. જ્યારે શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે આ મેટલ કમ્પોનન્ટ પીગળી જાય છે અને તેમાં રાખેલી દવા શરીરમાં રિલીઝ થાય છે.

મેન્યુઅલી પણ ઓપરેટ કરી શકાશે
આ ડિવાઇસને માત્ર ઓટોમેટિક જ નહીં, મેન્યુઅલી પણ ઓપરેટ કરી શકાય છે. તેમાં એક નાનો એન્ટેના હોય છે જે એક ખાસ રેડિયો ફ્રિક્વન્સી પર સેટ થયેલો હોય છે. આથી, બહારથી પણ વાયરલેસ દ્વારા તેને એક્ટિવેટ કરી શકાય છે. એક નાનો ઇલેક્ટ્રિક કરંટ મેટલ સીલને પીગાળીને દવાને રિલીઝ કરી શકે છે.

ટેસ્ટિંગના પરિણામો અને ભવિષ્યની યોજનાઓ
આ નાના ડિવાઇસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, અને તેના પરિણામો ખૂબ પ્રોત્સાહક છે. દર્દીના શરીરમાં બ્લડ સુગર લેવલ ઘટવાના 10 મિનિટની અંદર જ આ ડિવાઇસ મેનેજમેન્ટ શરૂ કરી દે છે અને દવા રિલીઝ થયાના માત્ર 10 મિનિટમાં જ બ્લડ સુગર લેવલ વધવા માંડે છે. હાલમાં, આ ડિવાઇસનો ટ્રાયલ ચાર અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે, અને MIT તેને લાંબા સમય સુધી ટેસ્ટ કરવાનું આયોજન કરી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!