ચેઇન સ્નેચિંગની આ ઘટના બનતા જ મયુરીબેને બૂમાબૂમ કરી હતી, જેના કારણે આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા.

ગાંધીનગર, ગુરૂવાર
રાજધાની ગાંધીનગરના સેક્ટર-26, કિસાનનગર વિસ્તારમાં દિવસ દરમિયાન ચેઇન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-22ની ગુરુકુળ સ્કૂલમાંથી પોતાની 3 વર્ષની દીકરી મિષ્ટીને લઈને ઘરે પરત ફરી રહેલા 29 વર્ષીય મયુરીબેન પટેલનો ભોગ બન્યા છે, જ્યાં તેમના ગળામાંથી 80,000ની સોનાની ચેઇન ઝૂંટવી લેવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના આજે સવારે આશરે 9:30 વાગ્યે બની હતી. મયુરીબેન કિસાનનગર સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સફેદ એક્ટિવા પર સવાર એક અજાણ્યો શખ્સ તેમની સામે આવ્યો હતો. તેણે એક્ટિવા પાછું વાળી, એકાએક મયુરીબેનના ગળામાં પહેરેલી હાર્ટ પેન્ડલવાળી સોનાની ચેઇનને જોરદાર આંચકો મારીને તોડી લીધી હતી. આશરે 1 તોલા વજનની આ ચેઇનની કિંમત 80,000 આંકવામાં આવી રહી છે.
ચેઇન સ્નેચિંગની આ ઘટના બનતા જ મયુરીબેને બૂમાબૂમ કરી હતી, જેના કારણે આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક પોતાના પતિ હરેશભાઈને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી હતી. જાણવા મળ્યા મુજબ, મયુરીબેન કિસાનનગરમાં ભાડેથી રહે છે અને ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ દહેગામની વસંત મસાલા કંપનીમાં નોકરી કરે છે.
આ ઘટના અંગે ગાંધીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની દિવસ-દહાડે બનેલી ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસીને આરોપીને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.











