ગાંધીનગર શહેરને 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં “સુપર સ્વચ્છ લીગ” માટે પસંદ કરવામાં આવ્યું છે. આ એક ખાસ કેટેગરી છે જે સ્વચ્છતા અને સ્વચ્છતાના સ્ટાન્ડર્ડ્સમાં શ્રેષ્ઠતા દર્શાવતા શહેરોને સન્માનિત કરે છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્વચ્છ ભારત મિશન 2.0ના લક્ષ્યોને પૂરા કરવામાં ગાંધીનગર ટોચ પર રહ્યું છે, જેનો મુખ્ય હેતુ ભારતભરના શહેરોને “કચરા મુક્ત” બનાવવાનો છે. આ મિશન ઓક્ટોબર 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત MoHUA દ્વારા 2016માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શહેરોને સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિકોના જોડાણ જેવા વિવિધ માપદંડો પર રેન્ક આપવાનો છે. અત્યાર સુધીમાં કુલ 9 રાઉન્ડ પૂરા થયા છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ગાંધીનગર શહેરે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રાષ્ટ્રીય સ્તરે 30મું સ્થાન મેળવ્યું હતું.

આજ રોજ 17 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક ભવ્ય સમારોહમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટેના રેન્કિંગ અને એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ રેન્કિંગ MoHUA દ્વારા 4 તબક્કાની ખાસ ચર્ચા પ્રક્રિયા અને માર્ચ 2025માં MoHUAની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલા મૂલ્યાંકન પછી નક્કી કરવામાં આવ્યા છે.
દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર કોર્પોરેશનના મેયર મીરાબેન પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરદ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતા અનિલસિંહ વાઘેલા અને દંડક સેજલબેન પરમાર પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરજી દ્વારા ગ્રીન સિટી ગાંધીનગરને “સુપર સ્વચ્છ લીગ” હેઠળ 3 લાખથી 10 લાખ વસ્તી શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળવો એ ગૌરવની વાત છે.
આ એવોર્ડ સ્વીકારતા મેયરમીરાબેન પટેલે આ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મહાનગરપાલિકાના તમામ ઓફિસર્સ, કર્મચારીઓ, સફાઈ કામદારો, અન્ય સ્વયંસેવકો અને જનતાનો આભાર વ્યક્ત કરીને તેમને અભિનંદન પાઠવ્યા.

Garbage Free City સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ એ સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ શહેરના પર્ફોર્મન્સને માપવા માટેનો એક મહત્વપૂર્ણ માપદંડ છે. આ રેટિંગ હેઠળ MoHUA શહેરોને ઘન કચરા વ્યવસ્થાપનના વિવિધ ફેક્ટર્સ પર આધારિત મૂલ્યાંકન કરીને 7-સ્ટાર, 5-સ્ટાર, 3-સ્ટાર કે 1-સ્ટાર રેટિંગ આપે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં, MoHUA દ્વારા ગાંધીનગર શહેરને 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
Open Defecation Free શહેર સર્ટિફિકેટ પણ સ્વચ્છ સર્વેક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના અંતર્ગત MoHUA શહેરોમાં તમામ નાગરિકોને શૌચાલયની ઉપલબ્ધતા અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના સ્ટાન્ડર્ડ્સનું મૂલ્યાંકન કરે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગાંધીનગર શહેરને Open Defecation Free કેટેગરી હેઠળ વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે.











