આ સિદ્ધિ ગુજરાત સરકાર અને રાજ્યમાં કાર્યરત ગેસ વિતરણ કંપનીઓના પ્રયાસોનું પરિણામ છે, જેમણે ઘરેલું PNG કનેક્શનના વિસ્તરણ પર ભાર મૂક્યો છે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત રાજ્યે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, નોન-ઉજ્જવલા LPG કનેક્શનની સરખામણીમાં ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ અપનાવવામાં ગુજરાત દેશભરમાં મોખરે છે.
PPACના ડેટા દર્શાવે છે કે 30 એપ્રિલ 2025 સુધીમાં ગુજરાતમાં કુલ 35.93 લાખ ઘરેલું PNG ગ્રાહકો નોંધાયા છે. રાજ્યમાં અંદાજે 82.75 લાખ નોન-ઉજ્જવલા LPG કનેક્શન છે, જેની સામે 32.88 લાખ ઘરેલું PNG કનેક્શન છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં નોન-ઉજ્જવલા LPG કનેક્શનના 39.7% ગ્રાહકોએ PNG અપનાવ્યું છે, જે એક નોંધપાત્ર આંકડો છે.
જ્યારે મહારાષ્ટ્ર 40.42 લાખ ઘરેલું PNG કનેક્શન સાથે સંખ્યાની દ્રષ્ટિએ આગળ છે, ત્યારે નોન-ઉજ્જવલા LPG કનેક્શન સામે ઘરેલું PNG કનેક્શન અપનાવવાની ટકાવારીમાં ગુજરાત સ્પષ્ટપણે આગળ છે. ગુજરાતનો હિસ્સો લગભગ 39% છે, જે મહારાષ્ટ્રના 14% કરતા ઘણો વધારે છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં સ્વચ્છ અને સસ્તું PNG ઇંધણ અપનાવવા પ્રત્યે ગ્રાહકોનો ઝોક વધી રહ્યો છે.
આ સિદ્ધિ ગુજરાત સરકાર અને રાજ્યમાં કાર્યરત ગેસ વિતરણ કંપનીઓના પ્રયાસોનું પરિણામ છે, જેમણે ઘરેલું PNG કનેક્શનના વિસ્તરણ પર ભાર મૂક્યો છે. PNG એ LPG કરતાં વધુ સુરક્ષિત અને ખર્ચ-અસરકારક વિકલ્પ છે, જે પર્યાવરણને પણ ઓછું નુકસાન પહોંચાડે છે. ગુજરાતની આ સફળતા અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.











