ગાંધીનગરના ચ-0 સર્કલને નવલું રૂપ: 2.30 કરોડના ખર્ચે બનશે આર્કિયોલોજિકલ યોગ સ્ટુડિયો!

આ પ્રોજેક્ટથી ગાંધીનગરના રહેવાસીઓને સ્વાસ્થ્ય અને વેલનેસ માટે એક નવું પ્લેટફોર્મ મળશે, જે શહેરના વિકાસમાં એક નવું પાસું ઉમેરશે.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સેન્ટ્રલ પોઈન્ટ સમા ચ-0 સર્કલને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. આ સર્કલ ખાતે 2.30 કરોડના ખર્ચે એક અનોખો આર્કિયોલોજિકલ અને મલ્ટીપર્પઝ યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે, જે શહેરને નવું આકર્ષણ પૂરું પાડશે.

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના ત્રણેય ઝોનમાં યોગ સ્ટુડિયો સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે, ચ-0 સર્કલ ખાતે બનનારા આર્કિયોલોજિકલ આધારિત યોગ સ્ટુડિયો માટેની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આશિષ કન્સ્ટ્રક્શન દ્વારા 2.72 કરોડના અંદાજિત ખર્ચ સામે 2.30 કરોડનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું, જે અંદાજિત ખર્ચથી 15.68% ઓછું છે.

મહત્વનું છે કે, તાજેતરમાં યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ ટેન્ડરને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, યોગ સ્ટુડિયોમાં ધ્યાન માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જે નાગરિકોને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડશે.

ચ-0 સર્કલ પહેલેથી જ તેના આધુનિક લાઈટિંગ અને સોલાર ટ્રી જેવી સુવિધાઓ માટે જાણીતું છે. હવે આ નવા યોગ સ્ટુડિયોના ઉમેરા સાથે, આ સ્થળ કુદરતી સૌંદર્ય વચ્ચે યોગ, ધ્યાન અને પ્રાણાયામ માટેનું એક ઉત્તમ કેન્દ્ર બનશે. મહાનગરપાલિકાના આ પ્રયાસથી ચ-0 સર્કલ ગાંધીનગરનું એક મહત્વનું જોવાલાયક સ્થળ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!