ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં મચાવી ધૂમ, 2024-25માં 856 મેટ્રિક ટનનું રેકોર્ડ એક્સપોર્ટ

ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા મહત્ત્વનું રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, એટલે કે વર્ષ 2019-20થી 2024-25 સુધીના ગાળામાં, રાજ્યમાંથી કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ થઈ છે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતની પ્રખ્યાત કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી, હવે માત્ર સ્થાનિક બજારો પૂરતી સીમિત નથી રહી. રાજ્ય સરકારના પ્રોત્સાહન અને ખેડૂતોની મહેનતને કારણે ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોરદાર ધૂમ મચાવી છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે, જે રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

5 વર્ષમાં 3,000 મેટ્રિક ટનથી વધુ નિકાસ
ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા મહત્ત્વનું રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, એટલે કે વર્ષ 2019-20થી 2024-25 સુધીના ગાળામાં, રાજ્યમાંથી કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ થઈ છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે માંગ સતત વધી રહી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલનો આશાવાદ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. કેરીની વૈશ્વિક માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા કેરી-આંબાની ખેતીને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોત્સાહનોના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ 4.71 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 1.77 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર, એટલે કે લગભગ 37% વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના કારણે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે.

કેરી ઉગાડતા જિલ્લાઓ
ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે.

વર્ષ 2024-25 દરમિયાન આ જિલ્લાઓમાં થયેલું વાવેતર
વલસાડ: 38,000 હેક્ટર
નવસારી: 34,800 હેક્ટર
ગીર સોમનાથ: 18,400 હેક્ટર
કચ્છ: 12,000 હેક્ટર
સુરત: 10,200 હેક્ટરથી વધુ વિસ્તાર

તલાલા ગીર કેસર કેરી: GI Tagની ઓળખ
ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે. તેની અજોડ ગુણવત્તાને કારણે કેસર કેરીને GI Tag (Geographical Indication Tag) પણ પ્રાપ્ત થયો છે, જે તેની વિશિષ્ટતા અને ભૌગોલિક ઓળખને પ્રમાણિત કરે છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે.

બાવળા ખાતે આવેલું આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં, આ યુનિટ દ્વારા આશરે 805 મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.

અગાઉ, કેરી જેવા ફળોની નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઈ-રેડિયેશન કરાવવું પડતું હતું, જેના કારણે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચ વધતો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો હવે અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઈ-રેડિયેશન કરાવી શકે છે અને તેમના ફળનો ઉત્તમ ભાવ મેળવી રહ્યા છે.

કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવી ગામા ઈરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્સ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓના સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાળવણી, બગાડનો અટકાવ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થતાં ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!