ન્યુ વાવોલ વિસ્તારમાં શ્રીજી હોમ્સ સોસાયટી, રાજધાની રેસીડેન્સી અને દિયા ગ્રીન્સ પાર્ટી પ્લોટથી શિવમ રેસીડેન્સી રોડ પરની સ્થિતિ અત્યંત ગંભીર છે. ખુલ્લી અને જોખમી ગટરો અકસ્માતને નોતરી રહી છે, અને રસ્તાઓની બિસ્માર હાલત વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઉભું કરી રહી છે.

ગાંધીનગર, બુધવાર
ઉવારસદ રોડ પર વિકસેલો ન્યુ વાવોલ વિસ્તાર જે ક્યારેક આધુનિક સુવિધાઓનું પ્રતીક બનવાની અપેક્ષા રાખતો હતો, તે આજે અનેક સમસ્યાઓનું ઘર બની ગયો છે. સ્થાનિક નાગરિકો તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે, ત્યારે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત થાય છે.
ન્યુ વાવોલ વિસ્તારમાં શ્રીજી હોમ્સ સોસાયટી, રાજધાની રેસીડેન્સી અને દિયા ગ્રીન્સ પાર્ટી પ્લોટથી શિવમ રેસીડેન્સી રોડ પરની સ્થિતિ અત્યંત ગંભીર છે. ખુલ્લી અને જોખમી ગટરો અકસ્માતને નોતરી રહી છે, અને રસ્તાઓની બિસ્માર હાલત વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઉભું કરી રહી છે. નાગરિકોની કમર તૂટી જાય તેવા ખરાબ રસ્તાઓ પરથી પસાર થવું એ રોજનો સંઘર્ષ બની ગયો છે.
જનજીવનને અસર કરતા મુખ્ય પ્રશ્નો

1. વાહનવ્યવહારનો સળગતો પ્રશ્ન
વાવોલના નાગરિકો માટે વાહનવ્યવહાર એ એક મોટો પ્રશ્ન છે. લાંબા સમયથી માગણી હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની યોગી બસ સેવા વાવોલ સુધી પહોંચી નથી. વાવોલમાં વસતા 90% જેટલા મધ્યમ વર્ગ અને તેનાથી નીચેના લોકો માટે ગાંધીનગર ખરીદી કરવા, વિદ્યાર્થીઓ માટે સ્કૂલ-કોલેજ, ટ્યુશન જવા આવવા, અને બીમારીના કિસ્સામાં સિવિલ હોસ્પિટલ જવા માટે રિક્ષાનું ભાડું 100થી પણ વધુ થાય છે. દરરોજ હજારો નાગરિકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે માણસા, કલોલ અને અન્ય વિસ્તારોમાં યોગી બસ સેવા ઉપલબ્ધ છે, તો પછી વાવોલને આ સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવ્યો છે? શું વાવોલના મતદારોની સગવડતા તંત્ર માટે કોઈ મહત્વ ધરાવતી નથી?
2. કેનાલની દુર્દશા જેથી પ્રદુષણ અને રોગચાળાનો ભય
વાવોલમાં હાલ 100થી પણ વધુ સોસાયટીઓ કાર્યરત છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણી પછી મતદારોની સંખ્યામાં 30%નો વધારો થયો છે. વાવોલમાંથી પસાર થતી કેનાલ જે 100થી પણ વધુ મકાનો ધરાવતી લગભગ 20% સોસાયટીઓની પાસેથી પસાર થાય છે, તેની છેલ્લા 2 વર્ષથી સફાઈ થઈ નથી. એટલું જ નહીં, કેટલીક સોસાયટીઓનું ગટરનું ગંદુ પાણી પણ આ કેનાલમાં છોડવામાં આવે છે. વરસાદી પાણીના નિકાલ માટેની આ કેનાલ આજે દુર્ગંધયુક્ત ગટરના પાણીથી ભરેલી રહે છે, જેના કારણે કેનાલની બંને બાજુ આવેલી સોસાયટીઓના મતદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બારેમાસ મચ્છર, માખીનો ઉપદ્રવ અને દુર્ગંધયુક્ત વાતાવરણમાં જીવવા માટે નાગરિકો મજબૂર છે. તંત્રની બેદરકારી ક્યારે રોગચાળાનું સ્વરૂપ લેશે તેની રાહ જોવાઈ રહી છે.
3. અધૂરા રોડના કામો
ન્યુ વાવોલમાં ગોકુલધામ રેસીડેન્સી નજીક શિવમ રેસીડેન્સી પાસે રોડનું કામ ઘણા સમયથી અધૂરું છોડી દેવામાં આવ્યું છે. આના કારણે વાહનચાલકોને ફરજિયાત રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે, જેનાથી અકસ્માતનું જોખમ સતત સર્જાય છે. વિકાસના દાવા કરતા તંત્ર માટે આ અધૂરા કામો એ તેમની નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે.

ન્યુ વાવોલના નાગરિકો તંત્ર પાસેથી માત્ર ખાલી વચનો નહીં, પરંતુ નક્કર કાર્યવાહીની અપેક્ષા રાખે છે. શું તંત્ર વાવોલની સમસ્યાઓ પ્રત્યે ક્યારેય ગંભીરતા દાખવશે કે પછી નાગરિકોએ આવી જ અવ્યવસ્થામાં જીવવું પડશે?











