મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: ક્યારે દોડશે ભારતની પ્રથમ હાઈ-સ્પીડ ટ્રેન? રેલવે મંત્રીએ આપી લેટેસ્ટ અપડેટ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના તમામ સિવિલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. કુલ 28 ટેન્ડર પેકેજમાંથી 24 પેકેજ એવોર્ડ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી, ગુરૂવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન વિશે આખો દેશ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જે મુજબ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની અંદાજિત સમયરેખા સામે આવી છે.

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MAHSR) પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. આ 508 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના ટેકનિકલ અને ફાઈનાન્સિયલ સપોર્ટથી બની રહ્યો છે.

બુલેટ ટ્રેનના 12 સ્ટેશનો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશનો હશે. આ ટ્રેન મુંબઈથી શરૂ થઈ થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સુધી દોડશે.

પ્રોજેક્ટનો ખર્ચ અને ફંડિંગ
MAHSR પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 1,08,000 કરોડ છે. આમાંથી, જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) પ્રોજેક્ટના 81% ખર્ચ એટલે કે રૂ. 88,000 કરોડનું ફંડિંગ કરી રહી છે. બાકીના 19% એટલે કે રૂ. 20,000 કરોડનું ફંડિંગ રેલવે મંત્રાલય (50%), મહારાષ્ટ્ર સરકાર (25%) અને ગુજરાત સરકાર (25%) ના ઈક્વિટી કન્ટ્રીબ્યુશન દ્વારા કરવામાં આવશે. 30 જૂન 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પર રૂ. 78,839 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટની લેટેસ્ટ સ્થિતિ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના તમામ સિવિલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. કુલ 28 ટેન્ડર પેકેજમાંથી 24 પેકેજ એવોર્ડ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે દરિયાઈ ટનલ (લગભગ 21 કિલોમીટર) નું કામ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં, 392 કિલોમીટર પિયર કન્સ્ટ્રક્શન, 329 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ અને 308 કિલોમીટર ગર્ડર લોન્ચિંગનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે.

ક્યારે દોડશે પહેલી બુલેટ ટ્રેન?
રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, વાપી અને સાબરમતી વચ્ચેના કોરિડોરનો ગુજરાત ભાગ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું પ્લાનિંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “સમગ્ર પ્રોજેક્ટ (મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન) ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ અને ટેકનિકલી ઈન્ટેન્સિવ પ્રોજેક્ટ છે.”

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!