ડભોડાના ફાર્મ હાઉસમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, 4 આરોપીઓની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડભોડા પોલીસ સ્ટેશનમાં ઠગાઈ, વિશ્વાસઘાત અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ-II દ્વારા ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મેદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ગેરકાયદેસર ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 2,13,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના નિર્દેશન હેઠળ, LCB-II ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમાર અને તેમની ટીમે જિલ્લામાં આવા ગેરકાયદેસર કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવા માટે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.

શનિવાર રાત્રે LCB-II ની ટીમના પો.સ.ઇ. આર.જી. દેસાઇ અને પો.સ.ઇ. એન.બી. રાઠોડ નાઈટ પેટ્રોલિંગ પર હતા. રાયપુર ગામ નજીક કેનાલ પાસે તેમને ખાનગી બાતમી મળી કે મેદરા ગામની સીમમાં, હડકાઈ માતાના મંદિર પાસેના એક ફાર્મ હાઉસમાં કેટલાક લોકો, જેમાં એક મહિલા પણ સામેલ છે, ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.

મોડસ ઓપરેન્ડી
આ કોલ સેન્ટરના સંચાલકો યુ.એસના નાગરિકોને નિશાન બનાવતા હતા જેમણે એમેઝોન મારફતે કોઈ પાર્સલ મંગાવ્યું હોય. તેઓ લેપટોપ પર X-SlamIT Calling Softwareનો ઉપયોગ કરીને યુ.એસ. નાગરિકોને મેસેજ અને કોલ કરતા હતા. તેમને ડરાવીને કહેતા હતા કે તેમના પાર્સલમાં ડ્રગ્સ છે અને પૈસાની માંગણી કરતા હતા. તેઓ વોલમાર્ટ જેવા મોટા સ્ટોર્સમાંથી ગિફ્ટ કાર્ડ્સ દ્વારા ડોલર ખરીદાવીને અને કાર્ડ નંબરો મેળવીને પોતાના હવાલા એજન્ટો દ્વારા યુ.એસ. માં પૈસા જમા કરાવીને છેતરપિંડી કરતા હતા.

ઝડપાયેલ આરોપીઓ
આર્યમાનસિંગ ઉર્ફે ઠાકુર (મૂળ રહેવાસી: ધનસારી ગામ, ઉત્તર પ્રદેશ)
પ્રસાદ ઉર્ફે પપ્પુ (મૂળ રહેવાસી: પુણે, મહારાષ્ટ્ર)
સનોજલાલ ઉર્ફે સેન્ડી (મૂળ રહેવાસી: તિરુવનંતપુરમ, કેરળ)
એન્જેલા અરવિંદ ગાયકવાડ (મૂળ રહેવાસી: પુણે, મહારાષ્ટ્ર)

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!