આખરે બંનેએ ફરીથી મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, શબાબે યુવતીને ખૂબ ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેને મુસ્લિમ ધર્મ સ્વીકારીને પોતાનું નામ અફસાના રાખવા માટે પણ દબાણ કરવામાં આવ્યું.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શબાબ નામના હોમગાર્ડ જવાને સતીશ બનીને એક હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કર્યું હોવાનું અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાનું જણાયું છે. અમરાઈવાડી પોલીસે આરોપીની દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસ ફરિયાદ મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શબાબ શેખે વાહન ચેકિંગના બહાને કમ્પ્યુટર ક્લાસિસ જતી એક યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. આ પછી તેણે પોતાને સતીશ તરીકે ઓળખાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી. ફોન પર વાતચીત શરૂ થઈ અને થોડા જ સમયમાં, 2021માં જ, આરોપીએ યુવતી સાથે મૈત્રી કરાર પણ કરી લીધા.
જોકે, જ્યારે યુવતીને શબાબ મુસ્લિમ હોવાની જાણ થઈ, ત્યારે તેણે તાત્કાલિક સંબંધ પૂરા કરી દીધા. તેમ છતાં, શબાબ તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. વર્ષ 2023માં યુવતીએ સામાજિક રીત-રિવાજ મુજબ સુરતના એક યુવક સાથે લગ્ન કર્યા.
લગ્ન પછી પણ પીછો ન છોડ્યો
યુવતીના લગ્ન થયાની જાણ થતાં જ, આરોપી શબાબે યુવતીના પતિને ફોન કરીને તેમના ભૂતકાળના સંબંધો વિશે જણાવી દીધું. આના પરિણામે, માત્ર 2 મહિનામાં જ યુવતીના ડિવોર્સ થઈ ગયા. છૂટાછેડા પછી પણ શબાબે યુવતી પર સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.
આખરે બંનેએ ફરીથી મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન, શબાબે યુવતીને ખૂબ ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેને મુસ્લિમ ધર્મ સ્વીકારીને પોતાનું નામ અફસાના રાખવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. શબાબ પરિણીત હતો અને તેને સંતાનો હોવા છતાં તેણે આ કૃત્ય કર્યું હતું. આરોપીના સતત ત્રાસથી કંટાળીને યુવતી તેના માતા-પિતાના ઘરે પાછી જતી રહી. આ પહેલા પણ યુવતીએ શબાબના ત્રાસ અંગે 2 વખત અરજી કરી હોવાનું સામે આવ્યું છે.
અંતે, યુવતીએ હિંમત કરીને સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શબાબ શેખની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.










