આ નવા નિયમોનો ઉદ્દેશ યોજનાનો લાભ સાચા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. તેથી, તમામ લાભાર્થીઓને વિનંતી છે કે તેઓ આ સમયમર્યાદામાં પોતાની ખરાઈ કરાવી લે, જેથી તેમની સહાય નિયમિત ચાલુ રહે.

ગાંધીનગર, મંગળવાર
જો તમે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) ના લાભાર્થી છો, તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. હવેથી, આ યોજના હેઠળ પેન્શન મેળવતી તમામ વિધવા બહેનોએ પેન્શનરોની જેમ પોતાની હયાતીની ખરાઈ જે તે લગત મામલતદાર કચેરી ખાતે ફરજિયાત કરાવવી પડશે. આ ઉપરાંત, 18થી 50 વર્ષની વયજૂથના લાભાર્થીઓએ પુનઃલગ્ન ન કર્યા હોવા અંગેના દાખલાનું વેરીફિકેશન પણ કરાવવું અનિવાર્ય છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત, પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને 1250ની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે. આ સહાય નિયમિતપણે ચાલુ રહે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ નવો નિયમ લાગુ કર્યો છે.
ક્યારે અને ક્યાં કરાવશો ખરાઈ?
સરકારના ઠરાવ મુજબ, દર જુલાઈ મહિનામાં આ પ્રોસેસ કરાવવા માટે લાભાર્થીઓને જણાવવામાં આવ્યું છે. આ માટે, વિધવા મહિલા લાભાર્થીઓએ પોતાની હયાતીની ખરાઈ માટે જે તે મામલતદાર કચેરી માં રૂબરૂ જવું પડશે.
પુનઃલગ્નની ખરાઈ પણ ફરજિયાત
વધુમાં, 18 થી 50 વર્ષની વયના લાભાર્થીઓએ પુનઃલગ્ન ન કર્યા હોવા અંગેનો તલાટીનો દાખલો પણ મામલતદાર કચેરી ખાતે રજૂ કરવાનો રહેશે. આ નિયમ સરકાર દ્વારા જારી કરાયેલા ઠરાવનો એક ભાગ છે.
જો લાભાર્થીનું અવસાન થાય તો…
જો કોઈ લાભાર્થી મહિલાનું અવસાન થાય, તો પરિવારજનોએ તાત્કાલિક ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે.
આ નવા નિયમોનો ઉદ્દેશ યોજનાનો લાભ સાચા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. તેથી, તમામ લાભાર્થીઓને વિનંતી છે કે તેઓ આ સમયમર્યાદામાં પોતાની ખરાઈ કરાવી લે, જેથી તેમની સહાય નિયમિત ચાલુ રહે.











