પેથાપુર ચોકડી પરથી 6.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, નકલી નંબર પ્લેટ અને પાયલોટિંગ કારનો પર્દાફાશ

પોલીસે આ સમગ્ર કેસમાં કુલ 19,04,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી પોલીસે દારૂની હેરાફેરી કરતા નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરના પેથાપુર ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી 6.83 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસને કુલ 19.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ, જેમાં બે કાર અને વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પેથાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં રેગ્યુલર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને એક સિક્રેટ ઇન્ફોર્મેશન મળી હતી કે વિજાપુર તરફથી એક ઇનોવા કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને પેથાપુર ચોકડી તરફ આવી રહી છે. આ ઇનોવા કારની આગળ એક નંબર-પ્લેટ વિનાની સ્વીફ્ટ કાર પાયલોટિંગ કરી રહી હતી, જેનો હેતુ પોલીસ ચેકિંગથી બચવાનો હતો.

બાતમીના આધારે પોલીસે તરત જ એક્શન લીધી અને પેથાપુર ચોકડી પર બેરીકેડ લગાવી વાહન ચેકિંગ શરૂ કર્યું. થોડા સમય બાદ, બાતમી મુજબની સ્વીફ્ટ કાર આવતા પોલીસે તેને રોકી અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેની પાછળ આવી રહેલી ઇનોવા કારને પણ રોકવામાં આવતા, તેની અંદરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 4162 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, જેની માર્કેટ વેલ્યુ 6,83,980 રૂપિયા અંદાજવામાં આવી છે.

પોલીસે ઇનોવા કારના એન્જિન નંબર સહિતની ડિટેલ ચેક કરતા સામે આવ્યું કે તેની નંબર પ્લેટ નકલી હતી. અસલી નંબર GJ 24 AA 1001 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઇનોવા કારમાંથી ઇલિયાસ ગફુરભાઈ મનસુરી (રહે, હડાદ, દાંતા) અને અનીસ રહીમભાઈ બક્ષ (રહે, કોટડા, ઉદેપુર)ની ધરપકડ કરી હતી. જ્યારે પાયલોટિંગ કરી રહેલી સ્વીફ્ટ કારમાંથી બાબુભાઈ રમશુભાઈ ડામોર અને અનિલ રમેશભાઈ રાવળ (બંને રહે હાલ, કોબા)ને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!