આ ઘટનાથી ફરી એકવાર નકલી ઉત્પાદનોના વધતા દૂષણ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે છે.

સુરત, બુધવાર
સુરતમાં નકલી ઉત્પાદનોનું રેકેટ સતત ધમધમી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. નકલી શેમ્પૂનું કૌભાંડ પકડાયાના માત્ર ચાર દિવસ બાદ જ શહેરના લસકાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ તુલસી તમાકુ અને રજનીગંધા પાન-મસાલા બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને અંદાજે 10 લાખનો કાચો માલ જપ્ત કર્યો છે.
રાત્રે ચાલતી હતી ફેક્ટરી, બ્રાન્ડેડ સ્મેલ માટે એસેન્સનો ઉપયોગ
આ ડુપ્લિકેટ પ્રોડક્ટનું રેકેટ એટલું વ્યવસ્થિત રીતે ચાલતું હતું કે કોઈને શંકા ન જાય. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે લસકાણા ડાયમંડનગરમાં આવેલી આ ફેક્ટરી ફક્ત રાત્રિના સમયે જ ચાલુ થતી હતી. મુખ્ય આરોપી જયેશ પડસાળા (હાલ ફરાર) રાત્રિના અંધારામાં જ આ ડુપ્લિકેટ માલ બનાવી બજારમાં ઠાલવતો હતો. પોલીસને અહીંથી 6 કિલોથી વધુ ફ્લેવર એસેન્સ પણ મળ્યું છે, જેનો ઉપયોગ બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સુગંધ લાવવા માટે થતો હતો.
નોઈડાની કંપનીએ ઓનલાઈન ઓર્ડરથી કૌભાંડનો પર્દાફાશ કર્યો
આ રેકેટનો પર્દાફાશ ધર્મપાલ સત્યપાલ લિમિટેડ કંપનીની ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા થયો હતો. કંપનીને જાણવા મળ્યું હતું કે તેમની પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ અજાણ્યા સપ્લાયર્સ દ્વારા વેચાઈ રહી છે. આ અંગે શંકા જતાં, કંપનીના કર્મચારીઓએ મોટા ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરીને પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે આ ફેક્ટરીનું સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.

10 લાખનો જથ્થો જપ્ત
પોલીસે ડાયમંડનગરમાં આવેલી આ ફેક્ટરી પર રેડ કરી હતી. અહીંથી 5.4 કિલો લૂઝ તમાકુ, 63 કિલો કાથો, 69 કિલો મેગ્નેશિયમ કાર્બોનેટ પાઉડર, 215 કિલો સોપારી, ઓટોમેટિક પેકિંગ મશીન, અને તુલસી તથા રજનીગંધાના સ્ટિકરવાળાં પાઉચનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે રમેશ હરિ ભેસરફાલ નામના એક કર્મચારીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન રમેશે ખુલાસો કર્યો હતો કે આ ફેક્ટરી જયેશ પડસાળાની છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.











