રક્ષાબંધન પર્વની ઉજવણી વચ્ચે અમદાવાદમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનથી ચિંતા ફેલાઈ છે. વતન જવાની લહાયમાં ખાનગી બસોમાં લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. શું આ માટે ટ્રાફિક પોલીસ જવાબદાર છે? જાણો આ આર્ટિકલમાં.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ શહેરમાં રક્ષાબંધનનો તહેવાર પૂરજોશમાં ઉજવાઈ રહ્યો છે. બજારોમાં ખરીદીની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યારે આસપાસના ગામો અને અન્ય શહેરોમાંથી આવેલા લોકો વતન જવા માટે નીકળી પડ્યા છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટનો મોટો પડકાર સામે આવ્યો છે, અને ખાસ કરીને ખાનગી ટ્રાવેલર્સમાં જોવા મળતી બેદરકારી ચિંતાનો વિષય બની છે.
તહેવારની ઉતાવળમાં વતન પહોંચવા માટે લોકો જોખમી મુસાફરી કરતાં અચકાતા નથી. તાજેતરમાં, અમદાવાદમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકો ખાનગી બસોની છત પર બેસીને મુસાફરી કરી રહ્યા હતા. આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે કે બસની અંદરની પરિસ્થિતિ પણ ગીચ અને અસુરક્ષિત હશે. આ પ્રકારની મુસાફરી જીવન માટે જોખમી હોવા છતાં, લોકો જાણે કે કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો ડર રાખતા નથી. તેમનો એકમાત્ર હેતુ ગમે તે રીતે વતન પહોંચી જવાનો હોય છે, ભલે પછી તેમાં જીવનું જોખમ હોય.
ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
આ દ્રશ્યો સામે આવતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સવાલ એ થાય છે કે જ્યારે આ પ્રકારે ઓવરલોડ બસો શહેરમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે શું કોઈ ટ્રાફિક પોલીસ હાજર નહોતી? ટ્રાફિક પોલીસ શા માટે આવા ખાનગી વાહનોને રોકીને નિયમોનું પાલન કરાવતી નથી? આ ઘટના સ્પષ્ટ રીતે સૂચવે છે કે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ થતું નથી.
ગીતા મંદિર બસ સ્ટેશન, પાલડી અને નહેરુ નગર જેવા વિસ્તારોમાંથી ઉપડતી ખાનગી બસોમાં મુસાફરોનો ધસારો ખૂબ વધી ગયો છે. રક્ષાબંધન બાદ રવિવારની રજા હોવાથી ઘણા લોકો બે દિવસની ઉજવણી માટે વતન જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની જવાબદારી વધી જાય છે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
ઉચ્ચ ન્યાયાલય દ્વારા અગાઉ પણ ટ્રાફિક નિયમોના પાલન અંગે ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં, પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ ઘટના એ દર્શાવે છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો અભિગમ પ્રવર્તી રહ્યો છે. મુસાફરો, વાહનચાલકો અને જવાબદાર તંત્ર કોઈને પણ ટ્રાફિક નિયમોનો ડર હોય તેવું લાગતું નથી. બધાનો એક જ અભિગમ હોય છે કે કંઈ થશે તો જોયું જાશે. આવા બેદરકાર વલણના કારણે ક્યારેક ગંભીર પરિણામો આવી શકે છે. આ પ્રકારની જોખમી સવારીને રોકવા માટે તંત્રએ કડક પગલાં લેવા અનિવાર્ય છે.











