અમદાવાદમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 14,013 OPD કેસ નોંધાયા, જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. રોગચાળાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈન્સ અને સાવચેતીનાં પગલાં વિશે જાણો.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ: ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તાવ, ઉધરસ અને શરદી જેવા સામાન્ય ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સિટીની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે.
તાજેતરમાં, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ડેટા પરથી આ ગંભીર પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. એક જ સપ્તાહમાં અહીં કુલ 14,013 OPD કેસ નોંધાયા છે, જેમાંથી મચ્છરજન્ય રોગોના ઘણા કેસ સામે આવ્યા છે. હોસ્પિટલ દ્વારા લેવાયેલા 454 ડેન્ગ્યુ સેમ્પલમાંથી 80 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત, 910 મેલેરિયા સેમ્પલમાંથી 28 કેસ પણ પોઝિટિવ જોવા મળ્યા છે.
વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે કેટલાક અગત્યના ગાઈડલાઈન્સ અને પ્રિવેન્શનના ઉપાયો જાહેર કરવામાં આવ્યા છે.
આ પગલાં લેવા છે જરૂરી:
ગપ્પી માછલીનો ઉપયોગ: તળાવ, નદી, નાળાં કે કેનાલ જેવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ગપ્પી માછલી નાખવાથી મચ્છરના પોરાનો નાશ કરી શકાય છે.
પાણીનો યોગ્ય નિકાલ: અઠવાડિયામાં એકવાર ઘરની આસપાસ, ટેરેસ પર અને ઘરની અંદરના પાણી ભરેલા પાત્રોને ખાલી કરીને સૂકવી દો અને ફરી ભરો.
પ્રોટેક્ટિવ ક્લોથ્સ: મચ્છરોના ડંખથી બચવા માટે દિવસ દરમિયાન પણ ફુલ-સ્લીવ્ઝ કપડાં અને બૂટ-મોજાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.
મચ્છરદાનીનો ઉપયોગ: રાત્રે સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે.
કચરાનો નિકાલ: વરસાદ પહેલાં જ નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક, વગેરેનો યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાઈ ન જાય અને મચ્છરોનું બ્રીડિંગ ન થાય.











