ભારત સરકારે થાઈલેન્ડ અને સિંગાપોર સહિત 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર કડક અંકુશ લાદ્યો છે. શું છે આ નિર્ણય પાછળનું કારણ અને વેપારીઓ પર તેની શું અસર પડશે?

નવી દિલ્હી, શુક્રવાર
ભારત સરકારે જ્વેલરી સેક્ટરમાં એક મોટો નિર્ણય લેતા દક્ષિણ-પૂર્વ એશિયાના 10 દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર તાત્કાલિક અસરથી અંકુશ મૂકી દીધો છે. અત્યાર સુધી આ દેશોમાંથી ઘણી વસ્તુઓની આયાત સરળતાથી કે ડ્યૂટી ફ્રી થતી હતી, પરંતુ હવે સરકારે આ માર્ગ પર લગામ લગાવી છે. ડિરેક્ટોરેટ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, હવે આ દેશોમાંથી જ્વેલરી મંગાવવા માટે આયાતકારોએ ખાસ લાઈસન્સ લેવું ફરજિયાત બનશે.
કયા દેશો પર લાગુ પડશે આ નિયમ?
સરકારનો આ નવો આદેશ એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ એટલે કે ASEAN જૂથના દેશો માટે છે. જેમાં થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયેટનામ, ફિલિપિન્સ, મ્યાનમાર, કમ્બોડિયા, લાઓસ અને બ્રુનેઈનો સમાવેશ થાય છે. હીરા કે મોતી જડેલા દાગીના હોય કે પછી સોના-ચાંદીની સાદી જ્વેલરી, આ તમામ દેશોમાંથી આયાત કરવા માટે હવે સરકારી મંજૂરી મેળવવી પડશે.
કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આયાત ડ્યૂટીમાં જોવા મળતી વિસંગતતા અને તેનો લેવાતો ગેરલાભ છે. ખાસ કરીને થાઈલેન્ડ જેવા દેશો સાથેના કરારને કારણે ત્યાંથી જ્વેલરીની આયાત ડ્યૂટી ફ્રી એટલે કે શૂન્ય ટકા ટેક્સ સાથે થતી હતી. સરકારે નોંધ્યું હતું કે ઘણા આયાતકારો સોના સાથે પ્લેટિનમ ભેળવીને દાગીના મંગાવતા હતા જેથી તેઓ ટેક્સ ભરવામાંથી બચી શકે.
તુલનાત્મક રીતે જોઈએ તો, યુનાઈટેડ આરબ અમિરાત (UAE) જેવા મિત્ર દેશો સાથેના કરાર હેઠળ પણ જ્વેલરી પર 20 ટકા જેટલી આયાત ડ્યૂટી લાગે છે. તેની સામે એશિયન દેશોમાંથી મફતમાં થતી આયાતને કારણે સ્થાનિક બજાર અને સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું હતું. આ ‘લૂપહોલ’ બંધ કરવા માટે સરકારે આયાતને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રિસ્ટ્રિક્ટેડ’ (અંકુશિત) કેટેગરીમાં મૂકી દીધી છે.
જૂના કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારીઓનું શું થશે?
આ નિયમમાં સૌથી મહત્વની વાત એ છે કે જે વેપારીઓએ અગાઉથી ઓર્ડર આપી દીધા છે અથવા જેમનું પેમેન્ટ થઈ ગયું છે, તેમને પણ કોઈ રાહત આપવામાં આવી નથી. જો કોઈ આયાતકારે રદ ન કરી શકાય તેવો લેટર ઓફ ક્રેડિટ (LC) લીધો હોય, એડવાન્સ પેમેન્ટ કર્યું હોય કે પછી માલ શિપમેન્ટમાં નીકળી ગયો હોય, તો પણ તેમણે નવા નિયમોનું પાલન કરવું પડશે અને લાઈસન્સ લેવું પડશે.
SEZ અને એક્સપોર્ટ યુનિટ્સ માટે અલગ શરત
સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) અને એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ્સ (EOU) માટે નિયમોમાં થોડી છૂટછાટ છે, પરંતુ શરતો સાથે. આ એકમો જો આ દેશોમાંથી દાગીનાની આયાત કરે તો તેમણે પણ લાઈસન્સ તો લેવું જ પડશે. સાથોસાથ, તેઓ આ રીતે આયાત કરેલા દાગીનાને ભારતના સ્થાનિક બજારમાં વેચી શકશે નહીં. આ માલ માત્ર નિકાસના હેતુ માટે જ વાપરી શકાશે.
સરકારના આ પગલાથી આયાતમાં પારદર્શકતા આવશે અને સોના-ચાંદીના ગેરકાયદે કે ટેક્સ ચોરી સાથે થતા વેપાર પર મોટી રોક લાગશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. આવનારા દિવસોમાં સ્થાનિક જ્વેલરી માર્કેટ પર તેની કેવી અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.











