ગુજરાતમાં RTE એક્ટ હેઠળ ધોરણ 1 માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વાલીઓ 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. પ્રવેશ પ્રક્રિયાના નવા નિયમો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે અહી જાણો.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના બાળકોને મોટી ખાનગી શાળાઓમાં મફત ભણાવવાની ઉત્તમ તક પૂરી પાડતી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજનાની પ્રવેશ પ્રક્રિયા આજથી વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 માં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. પોતાના બાળકોને આ યોજનાનો લાભ અપાવવા માંગતા વાલીઓ 17 એપ્રિલ સુધી સત્તાવાર પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકશે.
આ વર્ષે ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત હેઠળ મળતી બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં આશરે 94 હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી જેની સામે આ વર્ષે આ આંકડો ઘટીને 84 હજારથી વધુની આસપાસ પહોંચ્યો છે.
માધ્યમ પ્રમાણે બેઠકોની ફાળવણી પર નજર કરીએ તો ચિત્ર કંઈક આવું છે:
ગુજરાતી માધ્યમ: 41411 બેઠકો
અંગ્રેજી માધ્યમ: 40262 બેઠકો
હિન્દી માધ્યમ: 2235 બેઠકો
અન્ય માધ્યમ: 320 બેઠકો
પ્રવેશ પ્રક્રિયાને વાલીઓ માટે વધુ અનુકૂળ અને પારદર્શક બનાવવા સરકારે આ વખતે બે ખૂબ જ મહત્વના નિયમો બદલ્યા છે. પહેલો મોટો ફેરફાર શિફ્ટની પસંદગીનો છે. અગાઉ વાલીઓ પાસે માત્ર શાળા પસંદ કરવાનો વિકલ્પ હતો પણ હવે તેઓ પોતાની અનુકૂળતા મુજબ સવાર કે બપોરની શિફ્ટ પણ પસંદ કરી શકશે. બીજો ફેરફાર પ્રાથમિકતાને લગતો છે. અગાઉ આંગણવાડીના બાળકોને પ્રવેશમાં પહેલી અગ્રતા મળતી હતી. હવેથી નિયમ બદલીને અનામત કેટેગરીના બાળકોને સૌથી પહેલા પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે.
ફોર્મ ભરતી વખતે છેલ્લી ઘડીની હેરાનગતિ ટાળવા માટે વાલીઓએ કેટલાક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે. ઓનલાઈન અરજી કરવા માટે રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, જાતિનો દાખલો અને બાળકના જન્મના પ્રમાણપત્રની જરૂર પડશે. 17 એપ્રિલ પછી કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં એટલે સમયસર તમામ કાગળિયા સાથે ઓનલાઈન પ્રક્રિયા પૂરી કરી લેવી વાલીઓ માટે હિતાવહ છે.











