NCERT હવે ગણાશે ડીમ્ડ યુનિવર્સિટી, હવે પુસ્તકોની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી પણ આપી શકશે: જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

કેન્દ્ર સરકારે NCERTને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હવે આ સંસ્થા પોતાની રીતે ડિગ્રી આપી શકશે. જાણો આ ફેરફારથી શિક્ષણ ક્ષેત્રમાં શું બદલાવ આવશે અને કઈ શરતો લાગુ પડશે.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતના શિક્ષણ જગત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી દેશભરની શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (NCERT) હવે એક યુનિવર્સિટીની જેમ કામ કરશે. કેન્દ્ર સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની ભલામણ બાદ NCERTને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો છે. આ નિર્ણય બાદ NCERT પાસે પોતાની સ્વાયત્તતા હશે અને તે વિદ્યાર્થીઓને અધિકૃત રીતે ડિગ્રી પણ એનાયત કરી શકશે.

આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી. NCERTએ વર્ષ 2025માં સરકાર દ્વારા નિર્ધારિત તમામ શરતો પૂરી કરી હોવાનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારબાદ UGCની નિષ્ણાત સમિતિએ આ અહેવાલની ઝીણવટભરી તપાસ કરી અને તેને લીલી ઝંડી આપી દીધી. આખરે જાન્યુઆરી 2026માં મળેલી UGCની બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી અને કેન્દ્ર સરકારે તેને અંતિમ મંજૂરી આપી દીધી છે.

કઈ શરતો પર મળ્યો આ મહત્વનો દરજ્જો?
NCERTને આ દરજ્જો UGC એક્ટ, 1956ની કલમ 3 હેઠળ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં જ UGCએ લેટર ઑફ ઇન્ટેન્ટ જારી કરીને NCERTને ત્રણ વર્ષમાં જરૂરી સુધારા કરવા માટે સમય આપ્યો હતો. જોકે, સંસ્થાએ નિર્ધારિત સમય પહેલા જ આ લક્ષ્યાંક પૂરી કરી લીધી હતી.

નવા દરજ્જા સાથે કેટલીક કડક શરતો પણ જોડવામાં આવી છે
સંસ્થા પોતાની કોઈ પણ સંપત્તિ કે ફંડ સરકાર અથવા UGCની પૂર્વ પરવાનગી વગર કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં. NCERT કોઈ પણ નફાકારક પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં, એટલે કે તેનો હેતુ માત્ર શૈક્ષણિક સેવાનો રહેશે. સંસ્થાએ UGCના તમામ શૈક્ષણિક માપદંડો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કઈ સંસ્થાઓનો સમાવેશ થશે?
NCERT હેઠળ આવતી દેશની 6 મોટી શૈક્ષણિક સંસ્થાઓને આ યુનિવર્સિટીના માળખામાં સામેલ કરવામાં આવી છે. જેમાં અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસુર અને શિલોંગમાં આવેલી સંસ્થાઓ તેમજ ભોપાલની પંડિત સુંદરલાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશનનો સમાવેશ થાય છે. આ તમામ કેન્દ્રો હવે સંયુક્ત રીતે સ્પેશિયલ કેટેગરી યુનિવર્સિટી તરીકે ઓળખાશે.

સંશોધન અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન
ડીમ્ડ યુનિવર્સિટી બન્યા પછી NCERT હવે માત્ર શિક્ષકોની ટ્રેનિંગ પૂરતું મર્યાદિત નહીં રહે. તેણે હવે રિસર્ચ, પીએચડી અને નવા શૈક્ષણિક પ્રોગ્રામ્સ પર વધારે ભાર મૂકવો પડશે. આ ઉપરાંત, શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા માટે સંસ્થાએ NAAC અને NBA જેવી માન્યતા આપતી સંસ્થાઓ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે. સાથે જ દર વર્ષે NIRF રેન્કિંગમાં ભાગ લેવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેથી દેશની અન્ય ટોચની યુનિવર્સિટીઓ સાથે તેની સરખામણી થઈ શકે.

આ નવા ફેરફારથી દેશના શિક્ષણ માળખામાં નવી ઉર્જા આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે હવે NCERT પોતે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. એડમિશન પ્રક્રિયા, બેઠકોની સંખ્યા અને ફીના નિયમો પણ હવે નવા માળખા મુજબ નક્કી કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!