- પોલીસે કુલ રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
- પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગર, બુધવાર
તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે પોલીસથી બચવા અજીબ તરકીબ અજમાવી હતી. જોકે પોલીસની બાજનજરને કારણે દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બિનવારસી કારમાંથી વિદેશી દારૃના જથ્થા સહિત પાંચ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, વિજાપુરથી પેથાપુર સર્કલ થઈ અમદાવાદ તરફ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના મ્નસો વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બાતમી મુજબની ગાડીને રોકવામાં આવતા તેના ચાલકે ગાડીને ચરેડી મહાદેવ મંદિરથી બોળીયા રોડ તરફ હંકારી મુકી હતી. જેનો પીછો કરતાં દારૂ ભરેલી ગાડી આગળ જઈને પશુ જૈવિક દવાખાનાની દિવાલ સાથે અથડાઈ હતી. બાદમાં ચાલક નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી રૂ. 1.07 લાખની કિંમતનો દારૃ મળી આવતાં પોલીસે કુલ રૂ. 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
એજ રીતે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, પેથાપુરનાં ઘોડા ખાડા વિસ્તારના નાળીયામાં કેટલાય ઈસમો દારૃનું કટિંગ કરી રહ્યા છે. જેનાં પગલે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. અને બુટલેગરો ગાડી રેઢિયાળ મૂકીને અંધારામાં નાસી ગયા હતા. જે ગાડીમાંથી પણ રૂ. 1.23 લાખનો દારૃ સહિત કુલ રૂ. 6.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે વાસણા ચૌધરીથી હાલીસા રોડ પર દારૂ ભરેલી ક્રેટા કાર તેમજ તેનું પાયલોટિંગ કરતી કારને આંતરી લીધી હતી. અને ફિલ્મી ઢબે દોટ લગાવીને નવાઝ ફીરોજખાન પઠાણ, ફૈજલખાન ઉર્ફે ફૈજુ મોહમ્મદ હનીફ પઠાણ,સલીમ ઉર્ફે તોતા સકીલ શમ્બુદ્દીન અંસારી, મોહમદ ફજલ મોહમદ શાબાન ખલીફા તેમજ સલમાન અયુબખાન પઠાણ( તમામ રહે. અમદાવાદ) ને ઝડપી લઈ બે લાખથી વધુના દારૂ સહિત કુલ રૂ. 12.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.