District

ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની આશંકામાં પુત્રી-પ્રેમીએ યુવકની કરી હત્યા

ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની આશંકામાં પુત્રી-પ્રેમીએ યુવકની કરી હત્યા

- પુત્રી અને તેના પ્રેમીએ યુવકને મારઝુડ કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો 

-ગોમતીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા 

અમદાવાદ, સોમવાર

    ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની આશંકાના કારણે પુત્રી અને તેના પ્રેમીએ યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે મૃતકની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર યુવતી અને તેના પ્રેમીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

    શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કેવલ ચોકમાં મધુબહેન લલ્લુભાઇ દંતાણી તેમના દિકરા બીજલ સાથે રહેતા હતા તેમના દિકરા બીજલને તેમના જ વિસ્તારમાં રહેતી તેજસ્વીની માતા સાથે પ્રેમ સબંધ હોવાની તકરાર ચાલતી હતી. આ દરમિયાન ગઇકાલના રોજ સવારે બીજલ તેમના જ વિસ્તારમાં આવેલ હરીભાઇ ગોદાણી સર્કલ પાસે ઉભો હતો. ત્યારે તેજસ્વી અને તેનો પ્રેમી કરણ ત્યાં આવ્યા હતા. બન્નેએ બીજલને પ્રેમ પ્રકરણ મામલે ઝઘડો શરૂ કર્યો હતો અને બીજલને માર માર્યો હતો. આ દરમિયાન બન્ને ઉશ્કેરાયા હતા અને હથિયાર વડે બીજલ પર તુટી પડ્યા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં બીજલ નીચે પટકાયો હતો. 

    બીજી તરફ બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન તકનો લાભ લઇ તેજસ્વી અને તેનો પ્રેમી કરણ પલાયન થઇ ગયા હતા. જ્યારે એમ્બ્યુલન્સ મારફતે બીજલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ મામલે ગોમતીપુર પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. બીજલની માતા પણ મધુબહેન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે આ મામલે તેજસ્વી અને તેના પ્રેમી કરણ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની આશંકામાં પુત્રી-પ્રેમીએ યુવકની કરી હત્યા