
- જેસીબીમાં જાનને આવતી જોઇને સૌ કોઇમાં કુતૂહલનો માહોલ જોવા મળ્યો
- વરરાજાએ તેમના લગ્નને અનોખા અને યાદગાર બનાવવા જાન જેસીબીમાં જોડી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા
ભાવનગર, મંગળવાર
સામાન્ય રીતે કોઈ હેલિકોપ્ટરમાં કોઈ કારમાં તો કોઈ બળદગાડામાં જાન લઈને આવતા હોય છે. પરંતુ ભાવનગરના તાંતણીયા ખાતે વરરાજા જેસીબીમાં જાન લઈને પરણવા આવ્યા હતા. આમ જેસીબીમાં જાનને આવતી જોઇને સૌ કોઇમાં કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, જેમાં લોકો હેલિકોપ્ટર, બાઇક, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઊંટ ગાડીઓમાં પોતાની જાન જોડાવતા હોય છે, ત્યારે હવે એમાં જેસીબીનું નામ પણ ઉમેરાયું છે.

મળતી માહિતી મુજબ લગ્નપ્રસંગની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે પ્રસંગો યાદગાર બનીને રહી જાય એ માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે તાંતણિયાના આ વરરાજાએ તેમના લગ્નને અનોખા અને યાદગાર બનાવવા જાન જેસીબીમાં જોડી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભાવનગરના જેસર તાલુકાના તાંતણિયા ગામે વરરાજા પોતાની જાન ગાડીમાં કે હાથી-ઘોડા પર નહિ, પરંતુ જેસીબીમાં જોડીને આવતાં લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.


