રાજકોટ, શનિવાર
શહેરના રેસકોર્સ મેદાનમા આગામી 24થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામા આવ્યું છે. આ પાંચ દિવસના લોકમેળામાં રોજ 5થી 6 લાખ લોકો મેળાને માણે છે. એટલે કે 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે.લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે.
લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 1થી 44 શરત રાખવામાં આવી છે. આ તમામ શરતો/સૂચનાઓ મેં વાંચી છે. એનો ચુસ્તપણે અમલ કરવા હું બાંયધરી આપું છું તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈપણ બનાવ બનશે તો તેની બધી જ જવાબદારી અમારી રહેશે, એ બાબતે હું આ સોગંદનામું કરી આપું છું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો એ મુજબની શરતોનું પાલન કરવાની આથી હું બાંયધરી આપું છું. આ સોગંદનામું રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું રહેશે અન્યથા આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
PGVCL દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, દરેક સ્ટોલ અને પ્લોટ પર CCTV અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. યાંત્રિક રાઈડ્સધારકો માટે ફિટનેસ સર્ટિ. ફરજિયાત છે. આ પ્રકારના 44 નિયમના પાલનની ખાતરી સાથેનું સોગંદનામુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સ્ટોલ અને પ્લોટની સંખ્યા 30 ટકા ઘટાડવામાં આવી છે, જેને લીધે ભાડું મોંઘું થશે. જોકે આગ લાગે કે મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે. 5 એન્ટ્રી ગેટ પર ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે, સાથે જ ભીડને કંટ્રોલ કરવા ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે.
આ 44 નિયમનું પાલન કરવું ફરજિયાત
1. લોકમેળા સમય સવારે 8થી રાત્રિના 11 વાગ્યા સુધીનો રહેશે.
2. સ્ટોલ/પ્લોટધારકે અસલ કબજા પાવતી એલોટમેન્ટ લેટર, ઓળખપત્ર લોકમેળા દરમિયાન સ્ટોલ/પ્લોટ ઉપર સતત રાખવાનું રહેશે તેમજ સ્ટોલ/પ્લોટ ટ્રાન્સફર થઈ શકશે નહીં અને ટ્રાન્સફર થયાનું માલૂમ પડ્યે ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે, જે અંગે કોઈ તકરાર ચાલી શકશે નહિ.
3. સ્ટોલમાં વેચાતા માલ/ખાદ્ય પદાર્થો વગેરેના ભાવ બજારભાવ પ્રમાણે રાખવાના રહેશે અને જાહેરમાં દેખાય એ રીતે ભાવના બોર્ડ મૂકવાનાં રહેશે.
4. કોઈ સ્ટોલધારક દ્વારા મહત્ત્મ વેચાણ કિંમત (MRP)થી વધારે કિંમત વસૂલ કરવામાં આવશે તથા અન્ય કોઈ પ્રકારે ગ્રાહક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ મળશે તથા આ બાબતે અન્ય કોઈ ગેરરીતિ માલૂમ પડશે તો એલોટમેન્ટ લેટર રદ કરવામાં આવશે અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.
5. સ્ટોલ/પ્લોટની અંદરનો માલસામાન સાચવવાની જવાબદારી જે-તે સ્ટોલ રાખનારની રહેશે.
6. સંજોગોવશાત્ વીજળીપુરવઠો ખોરવાઈ જાય તો સ્ટોલહોલ્ડરે પોતે પોતાની રીતે વૈકલ્પિક સગવડતા રાખવી પડશે.
7. કોઈપણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહિ.
8. જે હેતુ માટે સ્ટોલ/પ્લોટ માગણી કરવામાં આવી હશે એ હેતુ માટે જ સ્ટોલ/પ્લોટનો ઉપયોગ કરવાનો રહેશે.
9. સ્ટોલ/પ્લોટ જે સ્થિતિમાં સોંપવામાં આવ્યો હશે એ જ સ્થિતિમાં મેળો પૂરો થયા પછી પાછો સોંપવાનો રહેશે.
10. કોઈપણ સ્ટોલ/પ્લોટ પર જુગારની વ્યાખ્યામાં આવે કે અનૈતિક લાગે એવી રમતને પરવાનગી આપવામાં આવશે નહિ. આવી કોઈ પ્રવૃત્તિ સ્ટોલમાં ચાલતી દેખાશે તો તાત્કાલિક સ્ટોલ ખાલી કરાવવામાં આવશે અને ડિપોઝિટની રકમ તથા ભાડાની રકમ જપ્ત કરવામાં આવશે.
11. દરેક સ્ટોલ/પ્લોટહોલ્ડરોએ પોતાના ધંધાને લગતાં એવાં જરૂરી લાઇસન્સો, પરવાનગી અથવા પરમિટો જે-તે કાયદા નીચે સંબંધિત ખાતાં પાસેથી મેળવી લેવાનાં રહેશે અને એ સ્ટોલનો કબજો લેતી વખતે સમિતિને બતાવવાનાં રહેશે.
12. કોવિડ અથવા કોઈપણ કારણસર લોકમેળો ચાલુ થયા પહેલાં બંધ રાખવાની ફરજ પડે તો તમામ ખર્ચ બાદ કરીને બાકીની રકમ જે રહેશે એ પરત કરવામાં આવશે, જેમાં કોઈપણ જાતનો વાંધો કે તકરાર ચાલશે નહિ, પરંતુ મેળો ચાલુ થાય પછી કોઈપણ કારણોસર મેળો બંધ રહે તો ભાડાની રકમ પરત મળશે નહિ.
13. સ્ટોલ પ્લોટધારકોએ કચરાના નિકાલ માટે સ્ટોલ પાસે કચરાપેટી રાખવી ફરજિયાત છે અને ભેગો થયેલો કચરો આરએમસીની કચરો નિકાલ કરવાની પેટીમાં નાખવાનો રહેશે. ચૂક કરનાર આરોગ્ય સમિતિ દ્વારા દંડને પાત્ર ઠરશે.
14. કેફી પદાર્થ, માંસાહારી પદાર્થ, ઈંડાં કે એની બનાવટનું તેમજ સ્ફોટક વસ્તુઓનું વેચાણ લોકમેળામાં થઈ શકશે નહિ.
15. મેળામાં મેળાના સમય દરમિયાન કોઈપણ જાતનું વાહન લાવવા દેવામાં આવશે નહિ.
16. સ્ટોલ/પ્લોટમાં દરેક પ્રકારે ચોખ્ખાઈ રાખવાની રહેશે, આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી થઈ શકશે નહીં તેમજ વેચવાની થતી વસ્તુ સારી ગુણવત્તાવાળી અને વાજબી ભાવવાળી હોવી જોઈએ.
17. સ્વચ્છતા તથા આરોગ્ય અંગેના સરકારના પ્રવર્તમાન નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
18. દરેક સ્ટોલ/પ્લોટહોલ્ડરે અગ્નિશમન સાધનો પોતાના ખર્ચે રાખવાનાં રહેશે.
19. સ્ટોલ તથા માલસામાનનો વીમો ઉતારી લેવાની જવાબદારી મંજૂર થયેલા સ્ટોલહોલ્ડર/પ્લોટધારકની રહેશે.
20. ઈલેક્ટ્રિસિટી બાબતે લોકમેળા સમિતિએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશે, જે નીચે મુજબ છે.
(20.1) અધિકૃત અધિકારી દ્વારા જરૂરી વાંધા પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેમજ જરૂરી કનેક્શન મંજૂરી મેળવ્યા બાદ જ લાઈટ પુરવઠાનો ઉપયોગ કરી શકાશે. અનધિકૃત રીતે વિદ્યુત પુરવઠાનો ઉપયોગ કરી શકાશે નહીં. દરેક સ્ટોલ/પ્લોટ માટે સમિતિ તરફથી લાઈટ માટે એક પોઈન્ટ આપવામાં આવશે, જેમાંથી 100 વોલ્ટ ઉપયોગ કરી શકાશે અને એમાં સમિતિની લેખિત પૂર્વમંજૂરી વિના ફેરફાર કરી શકાશે નહીં. એક્સ્ટ્રા લાઈટ ચાર્જ અલગ લેવાશે. સમિતિની લેખિત પૂર્વમંજૂરીથી વધારે વોલ્ટનો ઉપયોગ કરવામાં આવશે તો તે હોલ્ડરનો પ્લોટ ખાલસા કરવામાં આવશે અને ભાડું તથા ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે.
(20.2) દરેક સ્ટોલના માલિકોને સિંગલ ફેઝ અથવા થ્રી ફેઝ વીજજોડાણમાં જરૂરિયાત મુજબ નક્કી થયેલી જગ્યા પ્રમાણે આપવામાં આવશે અને ત્યાંથી સ્ટોલના માલિકોએ તેમનાં વિદ્યુત ઉપકરણોના જોડાણની વ્યવસ્થા સ્ટોલના માલિકોએ પોતે અધિકૃત ઈલેક્ટ્રિક કોન્ટ્રેક્ટરો મારફત કરાવવાની રહેશે.
(20.3) દરેક સ્ટોલના માલિકોએ તેમના વિદ્યુત જોડાણનાં લોડની વિગત તથા તેમણે રાખેલ ઈલેક્ટ્રિક સ્ટાફના નામે પરમિટ નંબર લેખિતમાં લોકમેળા વિદ્યુત સમિતિને આપવાનાં રહેશે તેમજ તેમણે કરાવેલા વાયરિંગ ટેસ્ટ રિપોર્ટ પણ લોકમેળા વિદ્યુત સમિતિને આપવાનો રહેશે. ત્યાર બાદ જ તેમનું વીજજોડાણ ચાલુ કરવામાં આવશે.
(20.4) દરેક સ્ટોલના માલિકે તેમણે કરાવેલા આંતરિક વાયરિંગની ખામી અથવા ખામીવાળા ઉપકરણને લીધે શોર્ટસર્કિટ થશે અથવા કોઈ અકસ્માત થશે તો એ માટે સ્ટોલના માલિક પોતે જવાબદાર ગણાશે.
(20.5) યાંત્રિક આઈટમ ચકડોળ, આઇસક્રીમ ચોકઠા, જેમાં વિદ્યુત ઉપકરણો વપરાશમાં હશે એના સ્ટોલોના માલિકોએ પોતાના ખર્ચે જરૂરી કેપેસિટીની ઈ.એલ.સી.બી. ચાલુ કન્ડિશનમાં ગેઈન સપ્લાયમાં મૂકવી ફરજિયાત છે. એની ચકાસણી વિદ્યુત નિરીક્ષક અથવા તેમના પ્રતિનિધિ પાસેથી કરાવી લેવાની રહેશે. જો આ અંગે કોઈ વિવાદ ઉપસ્થિત થશે તો અત્રેનો નિર્ણય આખરી મનાશે.
(20.6) આકસ્મિક સંજોગોમાં જો જીઈબી તરફથી વીજપુરવઠામાં વિક્ષેપ પડશે એ દરમિયાન સ્ટોલોમાં વીજપુરવઠા મળી શકશે નહીં અને વીજપુરવઠાના અભાવે આઇસક્રીમ સ્ટોલવાળા, ઠંડાં પીણાંના સ્ટોલવાળાના માલને કોઈ નુકસાન થશે તો એની જવાબદારી લોકમેળા સમિતિની રહેશે નહીં.
(20.7) સ્ટોલ/પ્લોટધારકો તરફથી કાયદેસરના વીજપુરવઠા કરતાં વધારે વીજપુરવઠાનો ગેરકાયદે ઉપયોગ કરશે એ સ્ટોલ/પ્લોટને અપાતી ઈલેક્ટ્રિક રદ કરવામાં આવશે અને ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે તથા બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે.
(20.8) ઈલેક્ટ્રિક સમિતિ દ્વારા ઈલેક્ટ્રિકની જરૂરિયાત મુજબ સમિતિ તરફથી જે ચાર્જ નક્કી થાય. એ મુજબ રકમ ઈલેક્ટ્રિક સમિતિને ભરપાઈ કરવાની રહેશે.
21. કેટેગરી જે મધ્યમ ચકરડી તથા કેટેગરી કેન્દ્ર, કે-2 નાની ચરકડી માટે પ્રવેશ દર મહત્તમ રૂ.30 તેમજ કેટેગરી ઈ, એફ, જી-1, જી-2, એચ યાંત્રિક આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.40 લેવાના રહેશે. તેમ છતા કોઈપણ પ્લોટધારકો દ્વારા પ્રવેશ દર નક્કી કરેલા મહત્તમ પ્રવેશ દર કરતાં વધુ લેતા જણાશે તો તેવા સંજોગોમાં તાત્કાલિક વગર નોટિસે જગ્યા ખાલી કરાવવાનો અધિકાર લોકમેળા સમિતિને રહેશે. એમાં કોઈપણ વાંધો કે તકરાર ચાલશે નહિ તેમજ ડિપોઝિટ તથા ભાડાની સ્કમ જપ્ત કરવામાં આવશે.
22. જેના નામે પ્લોટ/સ્ટોલ મંજૂર થયેલો હોય એ અંગે પ્લોટ/સ્ટોલ રાખનારનું પૂરું નામ, સરનામું, સ્ટોલ નંબર તથા સ્ટોલ/પ્લોટના હેતુ દર્શાવતું બોર્ડ લોકો જોઈ શકે એ રીતે સ્ટોલ/પ્લોટ ઉપર મૂકવાનું રહેશે અને સ્ટોલધારકોને આપેલા ઓળખકાર્ડ સ્ટોલ પર જ રાખવાનું રહેશે.
23. મેળામાં ઉપયોગમાં લેવાનારાં યાંત્રિક સાધનો ધરાવનારે યાંત્રિક સાધનના માલિકનું પૂરું નામ, સરનામું તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેની માહિતી કાર્યપાલક ઈજનેર યાંત્રિક માર્ગ અને મકાન વિભાગ (શહેર) રાજકોટ શહેરને આપવાની રહેશે અને આ તમામ યાંત્રિક સાધનોની ચકાસણી સાધનદીઠ ચકાસણી ફી નક્કી થવા મુજબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન શહેર વિભાગ, રાજકોટ શહેર પાસે જમા કરાવીને ઉપયોગમાં લેવાના બે દિવસ અગાઉ ચકાસણી કરાવી લેવાની રહેશે. આ અંગેની તેમની પાસે યંત્રની યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે અને એ સ્પષ્ટ જોઈ શકાય એ રીતે પ્રસિદ્ધ કરવાનું રહેશે. આગ, અકસ્માત અંગે જે-તે પ્લોટધારકે વીમો ઉતરાવવાનો રહેશે. ત્યાર બાદ જ યાંત્રિક સાધનો વાપરવા દેવામાં આવશે.
24. ડ્રો/હરાજીમાં નિયત તારીખ સુધીમાં ફોર્મ રજૂ કરનારી વ્યક્તિ જ ભાગ લેવા લાયક ગણાશે, હરાજી બાદ તફાવતની રકમ દિવસ એકમાં ભરપાઈ કરવાની રહેશે. સમિતિના બાકીદાર હશે એ લોકમેળામાં સ્ટોલ/પ્લોટ મેળવવા લાયક ગણાશે નહીં.
25. લોકમેળાની મુદતમાં વધારો કરવામાં આવે તો વધારાના દિવસના ભાડાની રકમ અધ્યક્ષ, લોકમેળા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે એ રકમ લોકમેળા સમિતિમાં જમા કરાવવાની રહેશે.
26. કોઈપણ સ્ટોલ/પ્લોટ ઉપર કોઈપણ પ્રકારની જાહેરાતના હકો લોકમેળા સમિતિના જ રહેશે. સ્ટોલ/પ્લોટધારકો સ્ટોલના બહારના ભાગમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની જાહેરાતનું બેનર-બોર્ડ રાખી શકશે નહીં.
27. કોઈપણ પ્લોટ/સ્ટોલધારકો માઈક-સાઉન્ડનો કે ધ્વનિવર્ધક કોઈપણ સાધનનો ઉપયોગ પરવાનગી વિના કરી શકશે નહીં.
28. લોકમેળાના તમામ સ્ટોલ/પ્લોટધારકોએ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર નક્કી થયેલા દર મુજબ GST કે અન્ય લાગુ પડતા કરવેરા, ફી, ટેક્સ વગેરેની ભરવાપાત્ર એડવાન્સ રકમ ભરવાની રહેશે.
29. ઉપરોક્ત શરતો પૈકી કોઈપણ શરતનું ઉલ્લંઘન થશે તો તાત્કાલિક અમલીકરણ અધિકારી ઉલ્લંધન કરનારને લોકમેળામાંથી દૂર કરવામાં આવશે અને જે કાંઈ ભાડું કે ડિપોઝિટ ભરેલી હશે એ ખાલસા થશે.
30. સમિતિ મારફત મળેલા સ્ટોલ/પ્લોટ અથવા તો જગ્યા સિવાયની વધારાની જગ્યા ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવશે તો તાત્કાલિક વગર નોટિસે સ્ટોલ અથવા જગ્યા ખાલી કરાવવામાં આવશે, તેમજ ડિપોઝિટ તથા ભાડાની રકમ પણ જપ્ત કરવામાં આવશે.
31. સ્ટોલ/પ્લોટ અંગેના નિયમો, કાયદા આધારિત નિયમો તથા લોકમેળા સમિતિ તરફથી સંજોગો અનુસાર જે નિયમો હવે પછી બહાર પાડવામાં આવે એ પ્લોટ/સ્ટોલધારકને માન્ય અને બંધનકર્તા રહેશે.
32. મેળાની તારીખ, સમયમાં તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં ફેરફાર કરવાનો લોકમેળા સમિતિને હક છે, એ માટે કોઈપણ જાતનો વાંધો, તકરાર ચાલશે નહીં અને લોકમેળા સમિતિનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે તેમજ લોકમેળા સમિતિની સૂચનાનો અમલ કરવાનો રહેશે.
33. કોઈપણ મતભેદ સમયે કલેક્ટર અને અધ્યક્ષ-લોકમેળા સમિતિ રાજકોટનો નિર્ણય આખરીને બંધનકર્તા રહેશે.
34. જે-તે પ્લોટ/સ્ટોલધારકે ડસ્ટબિન મૂકવાની રહેશે.
35. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહિ.
36. કોઈપણ રાઈડ્સ-પ્લોટધારકોએ કેબિન રાખવી નહિ તેમજ રાત્રે ત્યાં કોઈ અનધિકૃત વ્યક્તિ કે મજૂર રોકાણ કરી શકશે નહિ.
37. જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈપણ રાઈડ્સ ચાલુ કરી શકાશે નહિ.
38. રાઈડધારકોએ જરૂરી લાયકાત ધરાવતા કન્સલ્ટન્ટ પાસેથી ટેસ્ટ રિપોર્ટ મેળવ્યા બાદ જ આર એન્ડ બી ઈલેક્ટ્રિકલ તેમને વીજ કનેક્શન આપશે.
39. તમામ રાઈડ્સ/સ્ટોલધારકોએ સ્વખર્ચે ELCB /RCCB લગાવવાની રહેશે.
40. નાની ચકરડીઓ માટેના પ્લોટમાં ફક્ત નોન ઈલેક્ટ્રિક રાઈડ્સ એટલે કે હાથેથી ચાલતી ચકરડીઓ જ મૂકવાની રહેશે. કોઈપણ પ્રકારનો ઈલેક્ટ્રિક સપ્લાય મેળવી શકાશે નહિ.
41. દરેક સ્ટોલ/રાઈડધારકો પૈકી નાના પ્લોટ/રાઈડધારકોએ (1) ફાયર અગ્નિશામક તેમજ પ્લોટ/સાઈડધારકોએ (2) ફાયર અગ્નિશામક ફરજિયાતપણે મૂકવાના રહેશે તેમજ એના ઉપયોગ માટેની જરૂરી તાલીમ સ્વખર્ચે મેળવી લેવાની રહેશે.
42. તમામ રાઈડ/પ્લોટધારકોએ ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાના રહેશે તેમજ એનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.
43. રાઈડધારકો/સંચાલકોએ રાઈડ્સ પર કોઈપણ પ્રકારનું વધારાનું ઈલેક્ટ્રોનિક્સ કે લાઈટિંગનું ડેકોરેશન કરવું નહિ કે આર એન્ડ બી ઈલેક્ટ્રિક વિભાગના સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારનું વધારાનું વાયરિંગ કરવું નહિ
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો