
- દેશની સૌથી જુની અને મોટી વીમા કંપની માર્કેટમાં લિસ્ટેડ થઇ ચૂકી
- પહેલા જ દિવસે શરૂઆત 81.80 રૂપિયાના ઘટાડા સાથે 867.20 રૂપિયા પર સેટલ થવા સાથે કરી
નવી દિલ્હી, મંગળવાર
એલઆઈસીનાં શેરે બીએસઈ પર આજે પહેલા જ દિવસે શરૂઆત 81.80 રૂપિયાના ઘટાડા સાથે 867.20 રૂપિયા પર સેટલ થવા સાથે કરી. આ પહેલા એલઆઈસીનાં શેરે બીએસઈ પર પ્રી ઓપન સેશનમાં 12 ટકાથી વધારે ઘટાડામાં ટ્રેડની શરૂઆત કરી હતી. સરકારી વીમા કંપની એલઆઈસીનાં શેર આજે ઓપન માર્કેટમાં લિસ્ટ થઇ ગયા છે. જોકે શેર બજારમાં એલઆઈસીની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં ઝીરોથી નીચે પ્રીમિયમ પર ટ્રેડ કર્યા બાદ જેવા જ એલઆઈસીનાં શેર બીએસઈ પર લિસ્ટ થયા, તેમાં 12 ટકાથી વધારેનો ઘટાડો દાખલ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગ બાદ એલઆઈસીનાં શેર પહેલા દિવસે 12.60 ટકા એટલે કે 119.60 રૂપિયા પડીને 829 રૂપિયા પર ખુલ્યા છે.

આ આઈપીઓ માટે 902-949 રૂપિયાની પ્રાઈસ નક્કી કરવામાં આવી હતી. પહેલી વાર કોઈ આઈપીઓ વિકેન્ડનાં બંને દિવસે ખુલ્લા રહ્યા હતા. રેકોર્ડ 6 દિવસો સુધી ખુલ્લા રહેલા એલઆઈસીનાં આઈપીઓને લગભગ દરેક કેટેગરીમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. જોકે ગ્રે માર્કેટમાં એલઆઈસી આઈપીઓનાં પ્રીમિયમ લિસ્ટિંગ પહેલા શૂન્યથી નીચે ગયા છે, જેથી રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાનનાં સંકેત જોવા મળી રહ્યા છે. સવારે 8:45 વાગ્યે સરકારી વીમા કંપનીનાં લિસ્ટિંગનો સમારોહ શરુ થયો હતો. લિસ્ટિંગ સમારોહમાં બીએસઈમાં સીઈઓ તથા એમડી આશિષ કુમાર ચૌહાણ, દીપમ સચિવ તુહીન કાંત પાંડેય સહિત એલઆઈસીનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.




