District

તંત્ર એક્શન મોડમાં: ગાંધીનગર જિલ્લામાં શાળાની 100 મીટરની ત્રિજ્યામાં પાનના ગલ્લા ચલાવવા પર પ્રતિબંધ

તંત્ર એક્શન મોડમાં: ગાંધીનગર જિલ્લામાં શાળાની 100 મીટરની ત્રિજ્યામાં પાનના ગલ્લા ચલાવવા પર પ્રતિબંધ

- 100 મીટરની ત્રિજ્યામાં આવતા લારી- ગલ્લા દૂર કરવા કલેક્ટરનો આદેશ

- તમાકુ નિયંત્રણ અમલીકરણની મળેલી બેઠક કલેકટરે નિર્ણય કર્યો

ગાંધીનગર, મંગળવાર

    ગાંધીનગર જિલ્લામાં શાળાઓથી 100 મીટરની ત્રિજયામાં બીડી-સિગારેટ, ગુટખા જેવી તમાકુ યુક્ત ચીજવસ્તુઓનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકીને શાળાઓ આસપાસથી લારી- ગલ્લા દૂર કરવા જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પ્રકારનું વ્યસન ન કરતા થાય તેની તકેદારીના ભાગરૂપે આ આદેશ કરવામાં આવ્યા છે.

    ગાંધીનગર જિલ્લામાં શાળાઓથી 100 મીટરની ત્રિજયામાં આવેલા જે લારી- ગલ્લાઓ બીડી- સિગારેટ, ગુટખા કે અન્ય તમાકુની ચીજવસ્તુઓનું વિતરણ કરતાં હોય તેવા લારી ગલ્લાઓને દૂર કરવામાં આવે તેવી સૂચના આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ તમાકુ નિયંત્રણ અમલીકરણની બેઠકમાં સંબંધિત અધિકારીઓને આપી હતી. આ બેઠકના આરંભે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે ગુજરાત રાજયમાં તમાકુનું સેવન કરવાથી અંદાજે વાર્ષિક 40 હજાર વ્યક્તિઓ મોઢાના કેન્સરનો ભોગ બને છે. તેમાંથી આશરે 10 હજાર વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. ભારત દેશમાં અંદાજે 46.2 ટકા પુરૂષો અને 11.3 ટકા સ્ત્રીઓ તમાકુ સેવન કરે છે. જેમાંથી લગભગ 2700 વ્યક્તિઓ દરરોજ મૃત્યુ થાય છે.વર્ષે લગભગ અંદાજે 8થી 10 લાખ વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. ગાંધીનગર જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પ્રકારનું વ્યસન ન કરતા થાય તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે ગાંધીનગર જિલ્લાની શાળાઓથી 100 મીટર ત્રિજયામાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની સૂચના સંબંધિત અધિકારીઓને કલેકટરે આપી હતી. આ બેઠકમાં તમાકુ નિયંત્રણ અમલીકરણ અધિકારી ર્ડા. મુકેશ પટેલે તમાકુ નિયંત્રણ અંગેની કામગીરી માટેની માહિતી હતી. 

તંત્ર એક્શન મોડમાં: ગાંધીનગર જિલ્લામાં શાળાની 100 મીટરની ત્રિજ્યામાં પાનના ગલ્લા ચલાવવા પર પ્રતિબંધ