International

પાકિસ્તાનનું કરાચી શહેર બોમ્બે માર્કેટમાં બ્લાસ્ટથી હચમચી ગયું, એક મહિલાનું મોત, બાળક સહિત 12 ઘાયલ

પાકિસ્તાનનું કરાચી શહેર બોમ્બે માર્કેટમાં બ્લાસ્ટથી હચમચી ગયું, એક મહિલાનું મોત, બાળક સહિત 12 ઘાયલ

- વિસ્ફોટમાં એક મહિલાના મોતની પુષ્ટિ તેમજ  તેનો સાત વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ
- ખારાદર વિસ્તારમાં આવેલી ન્યૂ મેમણ મસ્જિદ પાસે બોમ્બે બજારમાં વિસ્ફોટ થયો હતો

કરાચી, મંગળવાર

   પાકિસ્તાનનું કરાચી શહેર સોમવારે જોરદાર વિસ્ફોટોથી હચમચી ગયું હતું. શહેરના ખારાદર વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટમાં એક મહિલાના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેનો સાત વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ પણ થયા છે. ખારાદર વિસ્તારમાં આવેલી ન્યૂ મેમણ મસ્જિદ પાસે બોમ્બે બજારમાં વિસ્ફોટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ સાઈકલમાં મુકવામાં આવ્યો હતો અને પોલીસ મોબાઈલ ટીમ તેનું નિશાન હતું. ચાર દિવસ પહેલા પણ આવો જ એક બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

   સોમવારે કરાચીના વ્યસ્ત બજારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 12 લોકો ઘાયલ થયા હતા, પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ IED દ્વારા થયો હતો. હોસ્પિટલના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને પુષ્ટિ આપી હતી કે તેમને એક મહિલાનો મૃતદેહ મળ્યો છે.

    કરાચીના ખારાદર વિસ્તારમાં ન્યૂ મેમન મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં એક પીકઅપ વાન અને અન્ય વાહનોને નુકસાન થયું હતું. પાકિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર, કાઉન્ટર ટેરરિઝમ યુનિટ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને વિસ્ફોટ સ્થળ પર મોકલવામાં આવી છે. સિંધ પ્રશાસને શહેરની હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોની સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે વિસ્ફોટની ઘટના અંગે પોલીસ વડા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. શહેરમાં ત્રણ દિવસમાં આ બીજો બ્લાસ્ટ છે. ગત ગુરુવારે સદરના કોમર્શિયલ વિસ્તારમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 13 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સ્થળની આસપાસનો વિસ્તાર ગીચ વસ્તીવાળો છે અને તે શહેરનું સૌથી વ્યસ્ત બિઝનેસ સેન્ટર છે. અહીંના વેપારીઓ મોટાભાગે પ્લાસ્ટિકની વસ્તુઓ, કાપડ અને હાર્ડવેર વસ્તુઓનો વેપાર કરે છે.

   કરાચીના પ્રશાસક મુર્તઝા વહાબે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા છ લોકોને ઈજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમણે કહ્યું કે આ સંખ્યા વધી શકે છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ કોઈ વિસ્ફોટક ઉપકરણને કારણે થયો હોઈ શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

પાકિસ્તાનનું કરાચી શહેર બોમ્બે માર્કેટમાં બ્લાસ્ટથી હચમચી ગયું, એક મહિલાનું મોત, બાળક સહિત 12 ઘાયલ