District

દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ કેળવણી મંડળના હોદ્દેદારો તથા ભરતસિંહજી ડાભી અને રોહિતજી ઠાકોર (ભામાશા) મુખ્યમંત્રીને મળ્યા

દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ કેળવણી મંડળના હોદ્દેદારો તથા ભરતસિંહજી ડાભી અને રોહિતજી ઠાકોર (ભામાશા) મુખ્યમંત્રીને મળ્યા

- દહેગામ ખાતે ભવ્ય શિક્ષણ સંકુલ બનાવવા સાંસદ ભરતસિંહજી ડાભીએ ગ્રાન્ટમાંથી 10 લાખ આપવાની જાહેરાત કરી
- કેળવણી મંડળની કપાતમાં ગયેલી જગ્યાની સામે 5000 ચો.ફુ. જગ્યા કપાત વગર આપવા અને તેનો પુરેપુરો ઉપયોગ કરવા દેવામાં આવે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ

- રોહિતજી ઠાકોર (ભામાશા) એ અન્ય દાતાઓ પાસેથી દાન લાવી આપવાની ખાતરી આપી

દહેગામ, મંગળવાર

    દહેગામ શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને દહેગામ ખાતે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ કેળવણી મંડળ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેળવણી મંડળની જગ્યા થોડાક સમય પહેલા ઔડાના કપાતમાં જતાં તેની સામે અન્ય જગ્યાએ પાંચ હજાર ચોરસ ફુટ જગ્યા ફાળવવામાં આવી તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પાટણના સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા) તેમજ કેળવણી મંડળના હોદ્દેદારો અને દહેગામ શહેર તેમજ તાલુકાના અનેક અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મળ્યું હતું અને આ અંગેની રજૂઆત કરી અને સત્વરે જગ્યાની ફાળવણી કરવાની માંગ કરવામાં આવી હતી. દહેગામ ખાતે ભવ્ય શિક્ષણ સંકુલ બનાવવા માટે સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા તેમની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા આપવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. તો રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા દ્વારા પણ આ સંકુલના નિર્માણ માટે યથાશક્તિ દાન આપવાની જાહેરાત કરાઇ છે. સમાજના આગેવાનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલ તૈયારીઓ જોતા આગામી ટૂંક સમયમાં દહેગામ ખાતે ક્ષત્રિય સમાજ નું ભવ્ય શિક્ષણ સંકુલ નિર્માણ થશે. જેનો વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં લાભ મેળવી શકશે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકાશે.

    આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના પ્રમુખ જે.એ. ઠાકોર અને કમિટી સભ્યો દ્વારા દહેગામ ખાતે સમાજ માટે એક ભવ્ય શિક્ષણ સંકુલનું નિર્માણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે આ માટે કેળવણી મંડળ ની જગ્યામાં આ સંકુલનું નિર્માણ કરવાનું હતું પરંતુ આ જગ્યા ઔડાના કપાતમાં જતા તેની સામે ઔડા દ્વારા અન્ય જગ્યાએ ફાઇનલ પ્લોટ આપવામાં આવનાર છે. શિક્ષણ સંકુલ માટે ફાઇનલ પ્લોટ ની જગ્યા ફાળવવામાં આવી તેમજ તેમજ ૪૦ ટકા કપાત ન કરી પૂરેપૂરી જગ્યા શિક્ષણ સંકુલ માટે ઉપયોગમાં લેવાય તે અંગેની રજૂઆત કરવા માટે આજે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા, દહેગામ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના પ્રમુખ જે.એ. ઠાકોર તેમજ હોદ્દેદારો નટવરસિંહ રાઠોડ, અમરસિંહ ડી. ઠાકોર, બાબુસિંહ સી. ઝાલા સહીતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળ્યા હતા અને રજુઆત કરી હતી.

    પાટણના સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા) તેમજ કેળવણી મંડળના હોદ્દેદારોએ કરેલ રજૂઆત મુજબ દહેગામ ખાતે રેવન્યુ સર્વે નં.707/3 આવેલ છે જે સરકારના ડ્રાફ્ટ ટી. પી. નં.3 માં સમાવેશ થાય છે. જેનો એફ. ટી. નં.55 ફાળવવામાં આવેલ છે. આ સર્વે નંબરની જમીન મૂળ માલિકોએ દહેગામ ક્ષત્રિય સમાજ કેળવણી મંડળ ને બક્ષીશ આપેલ છે. તેનો તમામ વહીવટ કેળવણી મંડળ કરે છે. સદર જગ્યા ઔડાએ રિઝર્વેશનમાં મુકેલ હોવાથી તે છૂટી કરવા માંગ કરાઈ છે. તમેજ દહેગામ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ ને ટી. પી. નં.3, એફ. પી. નં.86 વાળી જગ્યા ફાળવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. આ રજૂઆત અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ પણ આ બાબતે સત્વરે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. માંગણી મુજબની જગ્યા મળ્યા બાદ દહેગામ ના આ સ્થળે ભવ્ય શિક્ષણ સંકુલના નિર્માણ માટે સાંસદ ભરતસિંહજી ડાભી એ પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો શિક્ષણ સંકુલના નિર્માણ માટે રોહિતજી ચંદુજી ઠાકોર (ભામાશા) ઘ્વારા પણ યથાશક્તિ મદદરૂપ થવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રોહિતજી ઠાકોર (ભામાશા) એ અન્ય દાતાઓ પાસેથી દાન લાવી આપવાની ખાતરી આપી છે. કારણ કે તેઓની ઈચ્છા છે કે દહેગામ તાલુકામા સુવિધાવાળું ભવ્ય શિક્ષણ સંકુલનું નિર્માણ થાય. 

દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ કેળવણી મંડળના હોદ્દેદારો તથા ભરતસિંહજી ડાભી અને રોહિતજી ઠાકોર (ભામાશા) મુખ્યમંત્રીને મળ્યા