108 માત્ર ઇમરજન્સી સેવા નહીં, જીવન બચાવી ખુશીઓ લાવનાર મિત્ર!

આ ઘટના EMT કમલેશ સોલંકી અને પાઇલોટ રોહીતસિંહ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ છે, જે 108 ઇમરજન્સી સેવાઓના સમર્પણ અને કાર્યદક્ષતાને ઉજાગર કરે છે.

ગાંધીનગર, શુક્રવાર
108 એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં લાખો લોકો માટે જીવન રક્ષક બની રહી છે. આ સેવા માત્ર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ ઘણા કિસ્સાઓમાં તો એમ્બ્યુલન્સ પોતે જ ચલિત દવાખાનું બનીને ઇમરજન્સીમાં મેડિકલ સુવિધા પૂરી પાડે છે. તાજેતરમાં બનેલી એક ઘટના 108ના સ્ટાફની કાર્યદક્ષતા અને સમર્પણનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.

સમયસર મળેલો કોલ અને 108ની ત્વરિત સેવા
11 જુલાઈના રોજ સવારે 08:25 કલાકે, બહિયલ P.H.C. લોકેશન પર ફરજ પર હાજર EMT કમલેશ સોલંકી અને પાઇલોટ રોહીતસિંહને બારીયા (લીલાપુર)ગામના વિક્રમસિંહનો કોલ મળ્યો. તેમની પત્નીને પ્રસૂતિ પીડા ઉપડી હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર હતી. કોલ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને સગર્ભા મહિલાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ.

એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી
હોસ્પિટલ જતા રસ્તામાં મહિલાની પીડા વધી. પરિસ્થિતિની ગંભીરતા જોતા EMT કમલેશ સોલંકીએ એમ્બ્યુલન્સ રોકાવી અને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો. તપાસ કરતા જણાયું કે બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હતી, જે આવા કિસ્સાઓમાં સિઝેરિયન ડિલિવરી તરફ દોરી શકે છે. પરંતુ ERCP ડૉ. મહેશની સલાહ મુજબ, EMT કમલેશ સોલંકીએ પોતાની દક્ષતા અને સમયસૂચકતાનો પરિચય આપીને સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી. આ અકસ્માત સ્થિતિમાં માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો, જે 108ના સ્ટાફની અદભુત કામગીરી દર્શાવે છે.

પરિવારજનોમાં ખુશી અને સરકારનો આભાર
ડિલિવરી બાદ પુત્રનો જન્મ થતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ડિલિવરી પછી હેતલબેનને Oxytocin ઇન્જેક્શન અને RL 500 ml IV ફ્લુઈડ જેવી જરૂરી સારવાર આપવામાં આવી, અને બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ મળ્યો. ત્યારબાદ માતા અને પુત્ર બંનેને સુરક્ષિત રીતે દેવકરણના મુવાડા P.H.C.માં દાખલ કરવામાં આવ્યા. પરિવારે 108 જેવી ઇમરજન્સી સેવા શરૂ કરવા બદલ ગુજરાત સરકારનો પણ આભાર માન્યો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!