2026 Holiday Calendar: નવા વર્ષમાં રજાઓની ભરમાર રહેવાની છે. વર્ષ 2026માં કુલ 15 જેટલા લોન્ગ વીકેન્ડ મળી રહ્યા છે. જુઓ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું સંપૂર્ણ લિસ્ટ અને પ્લાન કરો તમારી ટ્રીપ.

અમદાવાદ, સોમવાર
વર્ષ 2025 હવે પૂર્ણાહુતિ તરફ છે અને ટૂંક સમયમાં આપણે નવા વર્ષ 2026 માં પ્રવેશ કરીશું. નવા વર્ષને લઈને લોકોમાં હંમેશા એક અલગ જ ઉત્સાહ હોય છે, ખાસ કરીને ફરવાના શોખીનો અત્યારથી જ કેલેન્ડર તપાસવા લાગ્યા છે. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ટૂર પર જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે. વર્ષ 2026 રજાઓની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેવાનું છે, કારણ કે આ વર્ષે કુલ 15 જેટલા ‘લોન્ગ વીકેન્ડ’ (Long Weekends) મળી રહ્યા છે.
ચાલો જાણીએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ક્યારે અને કેટલી રજાઓ મળી રહી છે:
વર્ષની શરૂઆત જ રજાઓથી
જાન્યુઆરી મહિનામાં વર્ષની શરૂઆતમાં જ મોજ પડી જશે. 1 જાન્યુઆરીએ મોટાભાગની ઓફિસોમાં રજા હોય છે. ત્યારબાદ 3 અને 4 જાન્યુઆરીએ શનિ-રવિ છે. જો તમે 2 જાન્યુઆરીએ એક રજા મેનેજ કરી લો, તો સળંગ 4 દિવસનું વેકેશન માણી શકાય છે. આ ઉપરાંત, 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ) સોમવારે આવતો હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીનું સળંગ વીકેન્ડ મળશે.
માર્ચ અને એપ્રિલમાં મિની વેકેશન
ફેબ્રુઆરીમાં કોઈ લાંબી રજાઓ નથી, પરંતુ માર્ચમાં 20 માર્ચ (શુક્રવાર) ના રોજ ઈદની રજા હોવાથી 21 અને 22 શનિ-રવિ સાથે ત્રણ દિવસની રજા મળશે. એપ્રિલમાં પણ 3 એપ્રિલે ‘ગુડ ફ્રાઈડે’ હોવાથી શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસનો બ્રેક મળશે.
મે મહિનામાં બે મોટી તક
મે મહિનામાં ગરમીની રજાઓમાં ફરવા જવા માટે બે શ્રેષ્ઠ તક છે:
પહેલો વીકેન્ડ: 1 મે (બુદ્ધ પૂર્ણિમા) શુક્રવારે છે, જેથી 2 અને 3 મે શનિ-રવિ સાથે ત્રણ રજા મળશે.
બીજો વીકેન્ડ: 23-24 મે ના રોજ શનિ-રવિ છે અને 26 મે ના રોજ ઈદ છે. જો વચ્ચે 25 તારીખે રજા લો, તો સળંગ 4 દિવસ ફરવા જઈ શકાય.
તહેવારોની મોસમ અને રજાઓનો વરસાદ
જૂન: 26 જૂને મોહરમ (શુક્રવાર) હોવાથી સળંગ ત્રણ દિવસ રજા મળશે.
ઓગસ્ટ: ઓગસ્ટમાં રક્ષાબંધન 28 ઓગસ્ટ શુક્રવારે હોવાથી શનિ-રવિ સાથે 3 દિવસની રજા મળશે. આ પહેલા 22-23 શનિ-રવિ અને 25 ઓગસ્ટે ઈદ હોવાથી વચ્ચે એક રજા લઈને મોટું વેકેશન માણી શકાય.
સપ્ટેમ્બર: જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે (શુક્રવાર) છે, જેથી ત્રણ દિવસની રજા ફિક્સ છે. આ ઉપરાંત 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી સોમવારે હોવાથી 12 થી 14 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની રજા મળશે.
ઓક્ટોબરથી ડિસેમ્બર: દિવાળી અને ક્રિસમસની મજા
ઓક્ટોબર: 2 ઓક્ટોબર (ગાંધી જયંતી) શુક્રવારે છે. વળી, 20 ઓક્ટોબરે દશેરા (મંગળવાર) છે, જો સોમવારે રજા લો તો 17 થી 20 ઓક્ટોબર સુધી 4 દિવસનું મિની વેકેશન મળશે.
નવેમ્બર (દિવાળી): આ વર્ષે દિવાળી રવિવારે (8 નવેમ્બર) છે, પરંતુ ધનતેરસ અને કાળીચૌદશ શુક્ર-શનિએ છે અને ભાઈબીજ મંગળવારે છે. આમ, વચ્ચે એક રજા લઈને સળંગ 5 દિવસની રજાઓ એન્જોય કરી શકાશે.
ડિસેમ્બર: વર્ષનો અંત પણ ધમાકેદાર રહેશે. 25 ડિસેમ્બર (ક્રિસમસ) શુક્રવારે હોવાથી શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસની રજા મળશે.
આમ, વર્ષ 2026 માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી રજાઓનો ભારે મેળાવડો છે. જો તમે અત્યારથી જ આ લિસ્ટ મુજબ પ્લાનિંગ કરી લો, તો ફ્લાઇટ અને હોટલ બુકિંગમાં પણ ફાયદો થઈ શકે છે. તો તૈયાર કરી લો તમારો બેગ અને માણો 2026ના લોન્ગ વીકેન્ડ્સ.











