નંદલાલપુરા વિસ્તારમાં એક જૂથના 24 જેટલા કિન્નરોએ ફ્લોર ક્લીનર (ફિનાઇલ) પી લીધું હતું,

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બુધવારે કિન્નરોનાં બે જૂથો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. નંદલાલપુરા વિસ્તારમાં એક જૂથના 24 જેટલા કિન્નરોએ ફ્લોર ક્લીનર (ફિનાઇલ) પી લીધું હતું, જેના કારણે તેમની તબિયત લથડી હતી અને તેઓ તેમના ડેરા બહાર બેભાન થઈને પડવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સ તથા પોલીસ વાહનોની મદદથી તમામ 24 કિન્નરોને એમવાય (MY) હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ડીસીપી આનંદ કલાદગિએ જણાવ્યું કે સારવાર બાદ તમામ કિન્નરો ખતરાની બહાર છે. જોકે, હજી કોઈ વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં નથી.
દરમિયાન, હોસ્પિટલની બહાર વધુ ચાર કિન્નરોએ પેટ્રોલની બોટલ હાથમાં લઈને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જોકે, પોલીસે તેમની પાસેથી પેટ્રોલની બોટલ છીનવી લઈને તેમને આત્મઘાતી પગલું ભરતા અટકાવ્યા હતા. આ છીનાઝડપી દરમિયાન હોસ્પિટલમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પોલીસે જણાવ્યું કે તબિયત સુધર્યા બાદ તેમનું નિવેદન લેવામાં આવશે, ત્યારે જ આ સામૂહિક પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણી શકાશે.










