નવા વર્ષ 2026ની શરૂઆત સાથે PAN-આધાર, LPG, બેંકિંગ, અને ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. જાણો આ બદલાવ તમારા પૈસા પર કેવી અસર કરશે અને નુકસાનથી બચવા શું કરવું.

અમદાવાદ, રવિવાર
નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને સંકલ્પો લઈને આવે છે, પરંતુ આવનારું નવું વર્ષ તમારા ખિસ્સા માટે કેટલાક મોટા ફેરફારો પણ લઈને આવી રહ્યું છે. 1 જાન્યુઆરીથી બેંકિંગ, ટેક્સ, સિમ કાર્ડ, ગેસ સિલિન્ડર અને વાહનો સંબંધિત અનેક નિયમો બદલાઈ જશે. જો તમે આ ફેરફારો વિશે સમયસર જાણીને તૈયારી નહીં કરો, તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
ચાલો વિગતવાર જાણીએ કે નવા વર્ષમાં કયા મોટા ફેરફારો થવાના છે અને તેની તમારા જીવન પર શું અસર પડશે.
1. PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તક
જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો હવે બિલકુલ મોડું ન કરતા. ડિસેમ્બર મહિનામાં આ કામ પૂરું કરવાની અંતિમ તારીખ છે. જો 1 જાન્યુઆરી સુધીમાં તમે આ કામ નહીં કરો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય (Inactive) થઈ જશે. જેના કારણે બેંક ખાતાના વ્યવહારો, ITR રિફંડ મેળવવામાં અને સરકારી યોજનાઓનો લાભ લેવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.
2. ઓનલાઈન છેતરપિંડી રોકવા કડક નિયમો
ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને રોકવા માટે સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે. UPI પેમેન્ટ અને સિમ કાર્ડ વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવવામાં આવશે. આ ઉપરાંત, WhatsApp, Telegram અને Signal જેવી મેસેજિંગ એપ્સ પર થતા ફ્રોડને રોકવા માટે પણ નવા સુરક્ષા માપદંડો લાગુ કરવામાં આવશે.
3. લોન સસ્તી થશે, FDના વ્યાજદર બદલાશે
SBI, PNB અને HDFC જેવી દેશની મોટી બેંકોએ તેમના લોનના દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી ગ્રાહકોને મળવાની શરૂ થશે. આ સાથે, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજના દરોમાં પણ ફેરફાર થશે. જો તમે FD માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો નવા દરો પર જરૂર નજર રાખજો.
4. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. 1 જાન્યુઆરીએ પણ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. નોંધનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
5. CNG, PNG અને હવાઈ મુસાફરી પર અસર
LPGની જેમ CNG અને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં પણ ફેરફાર થવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજાર મુજબ વિમાનમાં વપરાતા ઈંધણ (ATF)ના ભાવ પણ બદલાશે, જેની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર જોવા મળી શકે છે.
6. જુનો ઇન્કમ ટેક્સ કાયદો બદલાશે
વર્ષ 1961નો જૂનો આવકવેરા કાયદો હવે ભૂતકાળ બની જશે. સરકાર તેના સ્થાને નવો અને સરળ આવકવેરા કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જાન્યુઆરી મહિનામાં સરકાર નવા અને સરળ ITR ફોર્મ પણ જાહેર કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27 થી લાગુ થશે.
7. સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ
કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સૌથી મોટા અને સારા સમાચાર છે. 7મા પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરી થઈ રહી છે. એવી પૂરી સંભાવના છે કે 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ થઈ જશે, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે.
8. ખેડૂતો માટે બે મહત્વના ફેરફાર
PM-કિસાન યોજના: આ યોજનાનો લાભ લેવા માટે હવે ‘યુનિક કિસાન ID’ ફરજિયાત બની શકે છે.
પાક વીમો: જો જંગલી જાનવરો દ્વારા પાકને નુકસાન થાય, તો તેનો રિપોર્ટ 72 કલાકની અંદર કરવાથી તે નુકસાનને પણ પાક વીમા હેઠળ આવરી લેવામાં આવશે.
9. નવી ગાડી ખરીદવી મોંઘી પડશે
જો તમે નવા વર્ષમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. મોટાભાગની કાર કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.
આવનારું વર્ષ સામાન્ય માણસના જીવન અને બજેટ પર ઘણી રીતે અસર કરશે. કેટલાક ફેરફારો રાહત આપશે, તો કેટલાક ખિસ્સા પર ભારણ વધારશે. તેથી સમયસર આ ફેરફારો વિશે જાણીને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.











