આર્ટિકલ દ્વારા જાણો કે શા માટે અમેરિકા સામેના પ્રતિબંધો ખાસ અસરકારક નથી સાબિત થતા. અમેરિકાની આર્થિક, સૈન્ય અને રાજદ્વારી શક્તિ તેની વૈશ્વિક પ્રભુત્વ કેવી રીતે જાળવી રાખે છે.

નવી દિલ્હી, ગુરૂવાર
વૈશ્વિક રાજકારણમાં પ્રતિબંધો એક શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દેશો અન્ય દેશો પર દબાણ લાવવા માટે કરે છે. આ બાબતમાં અમેરિકા સૌથી આગળ છે. બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ માત્ર લશ્કરી જ નહીં, પરંતુ આર્થિક શક્તિના દમ પર પણ પોતાનું વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કર્યું છે. તેના આર્થિક પ્રભુત્વ અને ડૉલર ની પકડને કારણે તે ઘણા દેશો પર પ્રતિબંધો લાદી શકે છે, પરંતુ જ્યારે અન્ય દેશો અમેરિકા પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે તેની અસર ઓછી જોવા મળે છે.
અમેરિકાની વૈશ્વિક પ્રભુત્વની ચાવી: ડૉલર, લશ્કર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ
અમેરિકાની વૈશ્વિક તાકાત ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે:
આર્થિક પ્રભુત્વ અને ડૉલર: વિશ્વનો મોટાભાગનો વેપાર અમેરિકન ડૉલરમાં થાય છે. આના કારણે અમેરિકન કરન્સી ને એક અજોડ સ્થાન મળ્યું છે. કોઈપણ દેશ જે ડૉલર આધારિત સિસ્ટમ માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે, તેને ભારે નુકસાન વેઠવું પડે છે.
અસીમ સૈન્ય શક્તિ: અમેરિકાની સૈન્ય શક્તિ દુનિયામાં સૌથી વધુ છે અને તેના કારણે તેની એક વૈશ્વિક ધાક છે. દુનિયાભરમાં તેના લશ્કરી બેઝ છે, જે તેને વ્યૂહાત્મક લાભ આપે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર પ્રભાવ: વર્લ્ડ બેંક, IMF અને યુએન જેવી મોટી સંસ્થાઓ અમેરિકાના નાણાં પર નિર્ભર છે. આના કારણે અમેરિકા આ સંસ્થાઓના નિર્ણયોને પોતાના હિતમાં પ્રભાવિત કરી શકે છે.
આ ત્રણેય પરિબળોને કારણે, જો કોઈ દેશ અમેરિકા સાથેના સંબંધો તોડી નાખે તો તેને પોતાને જ વધુ નુકસાન થાય છે. તેથી જ, અમેરિકા પર અસરકારક પ્રતિબંધો લાદવા અત્યંત મુશ્કેલ છે.
રશિયાનો કિસ્સો અને પ્રતિબંધોની મર્યાદા
રશિયા જેવા દેશો કે જે આર્થિક રીતે આત્મનિર્ભર છે, તેઓ અમેરિકા સામે પ્રતિબંધોનો સામનો કરી શકે છે. યુક્રેન યુદ્ધ પછી રશિયા પર 10,000 થી વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવા છતાં, તે ટકી રહ્યું છે. આના મુખ્ય કારણો તેની ઉર્જા અને કુદરતી સંસાધનોની આત્મનિર્ભરતા છે, ઉપરાંત, ચીન અને ભારત જેવા મજબૂત વેપારી ભાગીદારો સાથેના તેના સંબંધો છે.
રશિયાએ પણ અમેરિકા પર પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ તેની અસર ઓછી થઈ. કારણ કે બંને દેશો વચ્ચે વેપાર ઓછો છે અને રશિયાનું વૈશ્વિક અર્થતંત્રમાં સીમિત યોગદાન છે. આના કારણે, રશિયાના પ્રતિબંધો ફક્ત એક પ્રતીકાત્મક વિરોધ બનીને રહી ગયા. જોકે, રશિયા જેવા મોટા દેશો દ્વારા ઊર્જા સપ્લાય ઘટાડવામાં આવે તો તેની અસર યુરોપીયન અર્થતંત્ર પર પડી શકે છે, જે આડકતરી રીતે અમેરિકાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વૈશ્વિક સ્તરે, પ્રતિબંધો ત્યારે જ અસરકારક બને છે, જ્યારે મોટાભાગના દેશો એકજૂટ થઈને તેનો અમલ કરે. જ્યાં સુધી અમેરિકા તેનું આર્થિક, લશ્કરી અને રાજદ્વારી પ્રભુત્વ જાળવી રાખશે, ત્યાં સુધી અન્ય દેશો દ્વારા તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોની અસર સીમિત જ રહેશે. આ જ કારણ છે કે, ભલે અનેક દેશોએ અમેરિકા પર પ્રતિબંધો મૂક્યા હોય, પરંતુ “જગત જમાદાર”નો હાથ હંમેશા ઉપર રહે છે.











