બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ડેવલપમેન્ટ. યુપી પોલીસે બે શૂટર્સને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા. જાણો સમગ્ર ઘટનાની ડિટેલ્સ અને શા માટે થયું હતું આ ફાયરિંગ.

બરેલી, ગુરૂવાર
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બે મુખ્ય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. બુધવારે, સપ્ટેમ્બર 17, 2025ના રોજ ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં યુપી, દિલ્હી અને હરિયાણા પોલીસની જોઈન્ટ ટીમે આ કાર્યવાહી કરી. આ ઓપરેશન દરમિયાન મુખ્ય આરોપી રવીન્દ્ર અને અરુણ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા.
આ બંને શૂટર્સ કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના એક્ટિવ મેમ્બર્સ હતા. એન્કાઉન્ટર બાદ પોલીસે તેમની પાસેથી એક ઝિગાના પિસ્તોલ અને કેટલાક કારતૂસ રિકવર કર્યા છે. રવીન્દ્ર મૂળ રોહતકનો અને અરુણ સોનિપતનો રહેવાસી હતો.
ફાયરિંગનું કારણ: પ્રેમાનંદ મહારાજ પરની ટિપ્પણી
આ સમગ્ર ઘટનાની શરૂઆત 12 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સવારે લગભગ 03:45 વાગ્યે દિશા પટણીના બરેલી સ્થિત ઘર પર 9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી આ બંને શૂટર્સે લીધી હતી.
પોલીસના ઇન્વેસ્ટિગેશન મુજબ, આ ફાયરિંગ દિશા પટણીની બહેન ખુશ્બુ પટણીએ કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના બદલામાં કરવામાં આવ્યું હતું.
ફાયરિંગની ઘટના બાદ તરત જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા સાથે ફોન પર વાત કરી હતી અને તેમના પરિવારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારથી જ પોલીસ આ શૂટર્સની શોધખોળ કરી રહી હતી અને આજે આ ઓપરેશન સફળ રહ્યું છે.











