GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 નું લોન્ચિંગ, વિદ્યાર્થીઓને 2 કરોડ સુધીના ઈનામો જીતવાની તક

GUJCOST દ્વારા ગાંધીનગરમાં રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0 નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ ક્વિઝમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 2 કરોડ સુધીના ઈનામો અને વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાતની તક છે.

ગાંધીનગર, શનિવાર
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) પ્રત્યે જાગૃતિ વધારવા અને તેમની કુશળતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા દેશની સૌથી મોટી રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (DST)ના સચિવ સુશ્રી પી. ભારતીના હસ્તે આ ક્વિઝની શરૂઆત કરવામાં આવી.

આ ક્વિઝનું આયોજન રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0: નવી પેઢીની નવી સફર થીમ હેઠળ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાનો છે. આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 2 કરોડ સુધીના ઈનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત, વિજેતા વિદ્યાર્થીઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO અને NFSU-ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તક પણ મળશે. ટોચના 200 વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે, ક્વિઝને બે લેવલમાં વહેંચવામાં આવી છે:
* જુનિયર લેવલ: ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે.
* સિનિયર લેવલ: ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે.

આ ક્વિઝમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ માટે કોઈ ફી રાખવામાં આવી નથી. દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ www.stemquiz.gujarat.gov.in વેબસાઇટ પર 30 ઓક્ટોબર, 2025 સુધીમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકશે. લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન જુનિયર અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ બેંક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું.

GUJCOSTના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી નરોત્તમ સાહુએ જણાવ્યું કે GUJCOST વર્ષ 2022થી ગુજરાત STEM ક્વિઝનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે. ગયા વર્ષની ક્વિઝ, ગુજરાત STEM ક્વિઝ 3.0માં 10.12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!