મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન 2027માં શરૂ થશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે અને વેપાર-ઉદ્યોગને વેગ મળશે. જાણો આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી.

અમદાવાદ, શનિવાર
આખા દેશની નજર જે પ્રોજેક્ટ પર ટકેલી છે, તે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થવાની છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટની માહિતી શેર કરતાં જણાવ્યું કે, આ કામ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ મુસાફરોને આ સુવિધા મળશે.
2027માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે અને આ બે શહેરો વચ્ચેનો પ્રવાસનો સમય ફક્ત બે કલાક જેટલો થઈ જશે. આ ટ્રેન શરૂ થવાથી વેપાર અને ઉદ્યોગને પણ ઘણો ફાયદો થશે. રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કામાં સુરત અને બિલીમોરા વચ્ચે 50 કિલોમીટરના સેક્શન પર આ ટ્રેન દોડાવવામાં આવશે.
મુંબઈનું ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશન
આ પ્રોજેક્ટ હેઠળ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે મુંબઈનું એકમાત્ર અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં, આ સ્ટેશન માટે 32.50 મીટર (લગભગ 106 ફીટ) ઊંડે ખોદકામ ચાલી રહ્યું છે, જે 10 માળની ઈમારત જેટલું છે. સ્ટેશનનું પ્લેટફોર્મ જમીનની સપાટીથી લગભગ 26 મીટર નીચે બનશે. આ સ્ટેશનમાં પ્લેટફોર્મ, કોનકોર્સ અને સર્વિસ ફ્લોર સહિત કુલ ત્રણ માળ હશે.
વર્લ્ડ-ક્લાસ સુવિધાઓથી સજ્જ સ્ટેશનો
આ રૂટ પર આવનારા તમામ સ્ટેશનો પર 6 પ્લેટફોર્મ હશે, અને દરેક પ્લેટફોર્મની લંબાઈ 415 મીટર જેટલી હશે. આ સ્ટેશનોને મેટ્રો લાઈન અને રસ્તાઓ સાથે પણ જોડવામાં આવશે, જેથી મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે. દરેક સ્ટેશન પર બે એન્ટ્રી અને બે એક્ઝિટ ગેટ હશે. સ્ટેશનો પર મુસાફરોની સુવિધા માટે પૂરતી જગ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, અને નેચરલ લાઇટિંગ માટે સ્કાયલાઈટ પણ લગાવવામાં આવશે. આ બધી સુવિધાઓથી મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.











