અમદાવાદમાં સેટેલાઇટ લાઇસન્સના નામે છેતરપિંડી: ઠગ ઝડપાયો

અમદાવાદમાં એક ખાનગી ન્યૂઝ ચેનલને સેટેલાઇટ લાઇસન્સ ભાડે આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપી અરુપ નંદાની ધરપકડ કરવામાં આવી છે. જાણો કેવી રીતે તેણે 33.83 લાખ રૂપિયા પડાવ્યા અને પોલીસ દ્વારા કેવી રીતે ઝડપાયો.

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં એક મોટી ખાનગી ન્યૂઝ ચેનલ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ ન્યૂઝ ચેનલને સેટેલાઇટ નેટવર્કનું લાઇસન્સ ભાડે આપવાના નામે 33.83 લાખ રૂપિયા પડાવ્યા હતા.

આ ઘટના અંગે અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી. ઓરિસ્સાના રહેવાસી અરુપ નંદાએ ગુજરાતની એક જાણીતી મીડિયા ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર સાથે નવેમ્બર 2024માં એક એગ્રીમેન્ટ કર્યો હતો. આ એગ્રીમેન્ટમાં તેણે જણાવ્યું હતું કે તે ‘ઇન્ડિયા 27’ ચેનલનો પાવર ઓફ એટર્ની હોલ્ડર છે અને બે મહિનામાં તેમની ન્યૂઝ ચેનલને સેટેલાઇટ પર ચલાવી આપશે.

આરોપી અરુપ નંદાએ નકલી દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્ની બતાવીને ચેનલના માલિક પાસેથી ચેક અને રોકડ સ્વરૂપે કુલ 33.83 લાખ રૂપિયા લીધા હતા. જોકે, તેણે સમયસર લાઇસન્સ ભાડે આપ્યું ન હતું અને લીધેલા પૈસા પરત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. આથી, ચેનલના ડાયરેક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદ બાદ આર્થિક ગુના નિવારણ શાખા આરોપીની શોધમાં હતી. આરોપી દિલ્હી અને ઓરિસ્સા સહિત અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો. પોલીસને બાતમી મળી કે તે અમદાવાદમાં વકીલને મળવા માટે આગોતરા જામીન લેવા આવી રહ્યો છે. આ માહિતીના આધારે, 18 સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યે તેને ખાનપુર વિસ્તારમાં આવેલી સિલ્વર હોટલમાંથી પકડી પાડવામાં આવ્યો.

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે તેને 21 સપ્ટેમ્બર બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તેણે કેટલાક પૈસા અન્ય વ્યક્તિને આપ્યા હતા અને બાકીના પૈસા મોજશોખ પાછળ વાપર્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે અરુપ નંદા સામે અન્ય રાજ્યોમાં પણ નકલી દસ્તાવેજોને લગતા કેસ નોંધાયેલા છે. આર્થિક ગુના નિવારણ શાખા આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!