અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી, કસ્ટમ્સ વિભાગે વિયેતનામથી આવેલા 2 પેસેન્જર્સ પાસેથી 8 કરોડથી વધુની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો. વાંચો કેવી રીતે આ ઓપરેશન સફળ થયું અને ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો.

અમદાવાદ, મંગળવાર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVP International Airport) પરથી ફરી એકવાર મોટા પાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ વિભાગે ગુપ્ત બાતમીના આધારે વિયેતનામથી આવેલા બે પેસેન્જર્સની અટકાયત કરી અને તેમની પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત નશીલો પદાર્થ જપ્ત કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ્સ અધિકારીઓએ વિયેતનામથી આવતા પેસેન્જર્સ પર ચાંપતી નજર રાખી હતી. બાતમીના આધારે, 2 શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને તેમનો સામાન ચેક કરવામાં આવ્યો. તપાસ દરમિયાન, તેમના બેગમાંથી કુલ 16 વેક્યૂમ-સીલ કરેલા પેકેટ્સ મળી આવ્યા. આ પેકેટ્સ ખોલતા અંદર હાઈડ્રોપોનિક વીડ, જે હાઈડ્રોપોનિક ગાંજા તરીકે પણ ઓળખાય છે, મળી આવ્યો.
કબ્જે કરાયેલા ડ્રગ્સનું વજન 8.40 કિલોગ્રામ હોવાનું માલૂમ પડ્યું છે, જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં અંદાજે 8 કરોડથી વધુની કિંમત આંકવામાં આવી રહી છે. કસ્ટમ્સ વિભાગે બંને આરોપીઓની ધરપકડ કરીને આ ડ્રગ્સ સપ્લાય ચેઈન અને તેના રેકેટ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે અગાઉ થાઇલેન્ડ જેવા દેશોમાંથી ડ્રગ્સની દાણચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ આ પહેલીવાર છે કે વિયેતનામથી આ પ્રકારનો માલ પકડાયો હોય. આ ઘટના ડ્રગ્સ માફિયાઓની બદલાતી મોડસ ઓપરેન્ડી તરફ ઈશારો કરે છે. કસ્ટમ્સની આ સફળતાથી ડ્રગ્સના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.











