દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયા નવમી વખત એશિયા કપની ચેમ્પિયન બની છે.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયા નવમી વખત એશિયા કપની ચેમ્પિયન બની છે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઇનલમાં આમને-સામને હોય. ભારતે આ ટુર્નામેન્ટમાં પોતાનો અજેય સફર જાળવી રાખ્યો અને સતત 7 મેચ જીતીને ફાઇનલ જીતી લીધી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે પાકિસ્તાનની ટીમ 146ના સ્કોર પર જ સમેટાઈ ગઈ. ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી, જ્યારે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને 2-2 વિકેટ મળી હતી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની ઇનિંગ્સની શરૂઆત સાહિબઝાદા ફરહાન અને ફખર ઝમાને સંભાળી હતી. પાવરપ્લેમાં પાકિસ્તાને કોઈ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવ્યા હતા. ફરહાને માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે, 9.4 ઓવરમાં 84ના સ્કોર પર વરુણ ચક્રવર્તીએ ફરહાન (57 રન, 38 બોલ)ને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ 12.5 ઓવરમાં કુલદીપ યાદવે સૈમ અયૂબ (14)ને આઉટ કર્યો. પાકિસ્તાનનો મોટો ધબડકો 14.4 ઓવર પછી શરૂ થયો, જ્યારે ફખર ઝમાન (46) આઉટ થયો. 16મા ઓવરથી તો વિકેટનું પતન શૃંખલાબદ્ધ બન્યું. કુલદીપ યાદવે એક જ ઓવરમાં કેપ્ટન સલમાન આગા, શાહીન આફરીદી અને ફહીમ અશરફની વિકેટો લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી. અંતે, પાકિસ્તાન 19.1 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગયું.
147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી. ટીમે બીજી જ ઓવરમાં ઇનફોર્મ બેટ્સમેન અભિષેક શર્મા (5)ની વિકેટ ગુમાવી. કેપ્ટન સૂર્યકુમાર યાદવની (1) ખરાબ ફોર્મ ચાલુ રહી અને તે શાહીન આફરીદીનો શિકાર બન્યો. ચોથી ઓવરમાં શુભમન ગિલ (12) પણ આઉટ થતા ભારતનો સ્કોર 20/3 થઈ ગયો. અહીંથી સંજુ સેમસન (24) અને તિલક વર્માએ અર્ધશતકીય ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી. સેમસન 77ના સ્કોર પર આઉટ થયા બાદ તિલક અને શિવમ દુબે વચ્ચે વધુ એક મહત્વની અર્ધશતકીય ભાગીદારી થઈ. દુબે 18.6 ઓવરમાં 33 રન બનાવીને આઉટ થયા, પરંતુ ત્યાં સુધીમાં ભારત જીતની નજીક પહોંચી ગયું હતું. તિલક વર્માએ (53 બોલમાં અણનમ 69 રન) શાનદાર બેટિંગ કરીને ટીમને અંત સુધી સંભાળી. જીત માટે છેલ્લા બોલે રિન્કુ સિંહે વિનિંગ શોટ લગાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું.











