બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચે દેશના 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી (By-elections)નું એલાન કર્યું છે.

ભારતીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે માહિતી આપી હતી કે બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાશે: પ્રથમ તબક્કો 6 નવેમ્બર અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ યોજાશે. આ ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે. બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં 3.92 કરોડ પુરુષો અને 3.50 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી 14 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં 90,712 પોલિંગ બૂથ બનાવવામાં આવશે, જે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે.
બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચે દેશના 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી (By-elections)નું એલાન કર્યું છે. આ પેટાચૂંટણીઓ જમ્મુ-કાશ્મીર (બડગામ, નાગરોટા), ઓડિશા (નુઆપાડા), ઝારખંડ (ઘાટશિલા), મિઝોરમ (ડાંપા), પંજાબ (તરનતારન), તેલંગાણા (જુબિલી હિલ્સ) અને રાજસ્થાન (અંતા) માં 11 નવેમ્બરના રોજ યોજાશે. તેની મતગણતરી પણ બિહારની જેમ 14 નવેમ્બરના રોજ જ થશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાજકીય પક્ષોના આગ્રહને ધ્યાનમાં રાખીને તારીખો નક્કી કરાઈ છે, જેથી છઠ્ઠ પર્વ પછી વધુમાં વધુ મતદાન થઈ શકે. 30 સપ્ટેમ્બરના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જોકે નામાંકન (નોમિનેશન)ના 10 દિવસ પહેલા સુધી નામ જોડાવી શકાશે.











