ધડાકાભેર ટક્કર પણ સદનશીબે બચાવ, અભિનેતા વિજય દેવરકોંડાની કારને નડ્યો અકસ્માત

સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાની કારને જોગુલાંબા જિલ્લાના નેશનલ હાઈવે-44 પર બોલેરોએ પાછળથી ટક્કર મારી. કારને નુકસાન, પણ અભિનેતા સહિત અન્ય 2 લોકો સુરક્ષિત. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. વિગતે વાંચો.

હૈદરાબાદ, મંગળવાર
સાઉથ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાની કારનો સોમવારે જોગુલાંબા જિલ્લા નજીક નેશનલ હાઈવે-44 પર અકસ્માત થયો હતો. આ ઘટનામાં અભિનેતા સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ તેમની કારને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત અંગેની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ ઘટના બપોરે લગભગ 3.00 કલાકે બની, જ્યારે વિજય દેવરકોંડા પુટ્ટપર્થીથી હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે-44 પર તેમની કારને પાછળથી આવી રહેલી એક બોલેરો ગાડીએ જોરદાર ટક્કર મારી હતી.

અભિનેતા અને અન્ય બે વ્યક્તિઓ સુરક્ષિત
આ અકસ્માતમાં વિજય દેવરકોંડાની કારના ડાબી બાજુના ભાગને નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે કારમાં સવાર વિજય દેવરકોન્ડા સહિત અન્ય 2 વ્યક્તિઓને કોઈ ગંભીર ઈજા થઈ નથી. મોટી જાનહાનિ ટળી ગઈ છે.

અકસ્માત થતાં જ અભિનેતાના ડ્રાઈવરે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિજય દેવરકોંડા કોઈ પણ વિલંબ કર્યા વિના તરત જ બીજી ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા, જ્યારે તેમની ટીમે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે બોલેરો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

ત્રણ દિવસ પહેલાં જ સગાઈના અહેવાલ
અકસ્માતની આ ઘટના એવા સમયે બની છે, જ્યારે માત્ર ત્રણ દિવસ પહેલાં જ વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની સગાઈ થઈ હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. જોકે, આ અંગે બંને કલાકારો તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!