દહેગામમાં અમદાવાદની પ્રખ્યાત કોઠીયા હોસ્પિટલ દ્વારા નવા OPD સેન્ટરની શરૂઆત કરવામાં આવી. હવે સ્થાનિક લોકોને કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક સહિતની સુવિધાઓ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મળશે. જાણો સંપૂર્ણ વિગતો.

દહેગામ, મંગળવાર
દહેગામ અને આસપાસના વિસ્તારના લોકો માટે એક મોટા અને સારા સમાચાર છે. અમદાવાદની જાણીતી કોઠીયા હોસ્પિટલે હવે દહેગામમાં પોતાના પ્રાથમિક સારવાર કેન્દ્ર એટલે કે O.P.Dની શરૂઆત કરી છે. આજથી એટલે કે તારીખ 07 ઓક્ટોબર 2025ને મંગળવારના રોજ સવારે 10:00 વાગ્યે આ નવા હેલ્થ સેન્ટરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર દહેગામમાં નેહરુ ચોકડી પાસે આવેલા બાલમુકુંદ સ્ક્વેરના બીજા માળે શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોઠીયા હોસ્પિટલના સંસ્થાપક અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ જી. કાકડિયા, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી રમણભાઈ દેસાઈ પણ જોડાયા હતા.
આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, કોઠીયા હોસ્પિટલના પ્રમુખ બાબુભાઈ વોરા અને દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી પણ હાજર રહ્યા હતા.

કોઠીયા હોસ્પિટલના આ નવા OPD સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય જન સેવા એજ પ્રભુ સેવાના મંત્ર સાથે દહેગામના લોકોને સ્થાનિક સ્તરે જ અમદાવાદ જેવી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો છે. હવે સામાન્ય કે ગંભીર બીમારીઓ માટે લોકોને અમદાવાદ સુધી લાંબા થવાની જરૂર નહીં પડે.
ઉપલબ્ધ સુવિધાઓ અને વિભાગો
આ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારના રોગો માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની કન્સલટેશન સેવા ઉપલબ્ધ રહેશે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના વિભાગોનો સમાવેશ થાય છે:
* કાર્ડિયોલોજી (હૃદય રોગ)
* જનરલ મેડિસીન
* કિડની રોગ વિભાગ
* ન્યુરોલોજી અને સ્પાઈન સર્જરી
* ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પોર્ટ્સ મેડિસિન
* બાળરોગ વિભાગ
* કેન્સર વિભાગ
* ચામડી રોગ અને પ્લાસ્ટિક સર્જરી
* પેટના રોગો (ગેસ્ટ્રોએન્ટેરોલોજી)
* જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી
આયુષ્માન કાર્ડ અને ખાસ ઓફર
હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ ધારકો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત પથરી, પ્રોસ્ટેટ, હર્નિયા, પાઈલ્સ, એપેન્ડિક્સ, ગાયનેક ડિલિવરી, NICU, એન્જીયોગ્રાફી અને બાયપાસ સર્જરી જેવી સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ મળી શકશે. એટલું જ નહીં, શુભારંભ પ્રસંગે હોસ્પિટલે તમામ ડોક્ટરોની કન્સલટેશન ફી માત્ર 1 રૂપિયો રાખવામાં આવી છે. અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હોસ્પિટલનો હેતુ દહેગામના લોકોને ઓછા ખર્ચે ઉત્તમ સારવાર આપવાનો છે.












