સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ પર હુમલો: PM મોદીએ કહ્યું, ‘આજે દરેક ભારતીય ક્રોધિત’; શું હતી સમગ્ર ઘટના?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ PM મોદીએ તેમની સાથે વાત કરી. જાણો વડાપ્રધાન, રાહુલ ગાંધીની પ્રતિક્રિયા અને હુમલાની આખી ઘટનાની વિગતો.

નવી દિલ્હી, મંગળવાર
દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બીઆર ગવઈ પર થયેલા હુમલાના શરમજનક પ્રયાસ બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુરંત CJI ગવઈ સાથે વાતચીત કરી હતી અને ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

PM મોદીએ કહ્યું, ‘આજે દરેક ભારતીય ક્રોધિત છે’
CJI ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ વડાપ્રધાન મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, “મેં CJI ગવઈ સાથે વાતચીત કરી છે. આજે સુપ્રીમ કોર્ટમાં તેમના પર થયેલા હુમલાથી દરેક ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપણા સમાજમાં આ પ્રકારના નિંદનીય કૃત્યની કોઈ જગ્યા નથી. આ બહુ શરમજનક છે.”

વડાપ્રધાને આ કપરી પરિસ્થિતિમાં શાંત અને સંયમ જાળવવા બદલ જસ્ટિસ ગવઈની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, આ બાબત ન્યાયના મૂલ્યો અને આપણા બંધારણની ભાવનાને જાળવી રાખવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રાહુલ ગાંધી સહિત વિપક્ષે પણ નિંદા કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ આ ઘટનાની આકરી નિંદા કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સ્પષ્ટ જણાવ્યું કે, “ચીફ જસ્ટિસ પર હુમલો આપણી ન્યાયપાલિકાની ગરિમા અને આપણા બંધારણની મૂળ ભાવના પર હુમલો છે. આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી.”

શું હતી સમગ્ર ઘટના?
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર હુમલાનો પ્રયાસ એક વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. સુનાવણી દરમિયાન આ શખ્સે CJI ગવઈ પર નિશાન સાધીને જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જે ન્યાયાધીશની બેન્ચની આગળ જ પડ્યું હતું, તેથી CJIને કોઈ ઈજા થઈ નહોતી.

હુમલા બાદ તરત જ આ વકીલની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી અગત્યની વાત એ છે કે, આ ઘટના છતાં ચીફ જસ્ટિસ ગવઈ શાંત રહ્યા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, “હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.” ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે, હુમલો કરનારા વકીલે ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!