ધર્માંતરણના એક ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની FIR રદ કરવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે જો પીડિત હોવાનો દાવો કરનાર વ્યક્તિ પણ અન્ય લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવે, તો તેની સામે ગુનો દાખલ થઈ શકે છે. જાણો શું છે આખો મામલો.

અમદાવાદ, ગુરૂવાર
ધર્માંતરણ સાથે જોડાયેલા એક મહત્ત્વના કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરજદાર-આરોપીઓને કોઈ રાહત આપી નથી. કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. આ નિર્ણય આપતા કોર્ટે એક અત્યંત મહત્ત્વનું અવલોકન કર્યું છે, જે આ પ્રકારના કેસ માટે એક ઉદાહરણરૂપ બની રહેશે.
કોર્ટે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પોતે ધર્મ પરિવર્તનનો ભોગ બની હોય અને તે પીડિત હોવાનો દાવો કરતી હોય, પરંતુ તે જ વ્યક્તિ જો અન્ય લોકોને દબાણ કે લાલચ આપીને ધર્માંતરણ માટે પ્રેરિત કરવાના કૃત્યમાં સંડોવાયેલી હોય, તો તેની વિરુદ્ધ પણ કાયદાકીય ગુનો દાખલ કરી શકાય છે.
પીડિત હોવાનો દાવો કરનારા જ આરોપી
કેટલાક અરજદાર-આરોપીઓએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેમનું પોતે ધર્માંતરણ થયું છે અને તેઓ આ મામલામાં પીડિત હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થવી ન જોઈએ. જોકે, કોર્ટે FIRમાં લગાવેલા આક્ષેપોની ગંભીરતાથી નોંધ લીધી. FIRમાં સ્પષ્ટપણે આરોપ છે કે આરોપીઓ દ્વારા દબાણ અને લોભામણી લાલચ આપીને અન્ય લોકોને ધર્માંતરણ માટે લલચાવવામાં આવ્યા હતા. આક્ષેપ મુજબ, વર્ષ 2018માં ફરિયાદીને ખોટી માહિતી આપી સુરતમાં ધર્માંતરણ કરવવામાં આવ્યું હતું, જ્યાં પહેલાથી તૈયાર દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવામાં આવી હતી અને ત્યારબાદ નામ બદલીને નવું આધાર કાર્ડ પણ જારી કરાયું હતું. ફરિયાદીએ દાવો કર્યો છે કે લગભગ 37 પરિવારોના 100 જેટલા લોકોને પૈસા અને અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવાયું છે.
રાષ્ટ્રવ્યાપી કાવતરું અને વિદેશી ભંડોળનો આરોપ
આ ગુનો વર્ષ 2021માં ભરૂચના અમોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. FIRમાં આરોપ છે કે વિદેશી ભંડોળનો ઉપયોગ કરીને લોકોને ધર્માંતરણ કરવા માટેનું એક રાષ્ટ્રવ્યાપી કાવતરું ઘડવામાં આવ્યું હતું. શરૂઆતમાં 9 આરોપીઓના નામ સામેલ હતા, પરંતુ તપાસમાં કુલ 16 આરોપીઓની સંડોવણી સામે આવી છે.
કોર્ટે એ વાતની પણ ગંભીર નોંધ લીધી કે FIR દાખલ થાય તે પહેલાં એક અરજદાર 25 વખત ભારતની મુલાકાતે આવ્યો હતો અને તપાસ દરમિયાન તે સહકાર આપતો ન હતો.
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ ગુનાની ગંભીરતા અને આરોપીઓ પરના આક્ષેપો જોતા તેમની સામેની FIR રદ કરી શકાય નહીં. આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 120(B) (ગુનાહિત કાવતરું) અને 295(A) (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ઇરાદાપૂર્વકના કૃત્યો) સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.











