અમદાવાદમાં દીપડાની દહેશત: શેલા-ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં દેખાયો, વનવિભાગ દોડતું થયું

અમદાવાદના શેલા-ઘુમા વિસ્તાર બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં મોડી રાત્રે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. વનવિભાગે તપાસ હાથ ધરી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે ભારે ચિંતા પ્રસરી છે. શેલા-ઘુમા બાદ હવે 20 જુલાઈની મોડી રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે ઝુંડાલથી ચાંદખેડા તરફ આવતા માધવ હોમ્સ સામે એક કેફે નજીક સ્થાનિક યુવાનોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો છે. કેફે માલિક નિશાંત પટેલના જણાવ્યા મુજબ, મોડી રાત સુધી કેફે ચાલુ હોવાથી ત્યાં હાજર લોકોએ દીપડાની તસવીર પણ કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી અને આ અંગે તુરંત વનવિભાગને પુરાવા સાથે જાણ કરવામાં આવી છે.

26 કિમી દૂર ફરી દેખાતાં વનવિભાગ સામે પ્રશ્નાર્થ
ઉલ્લેખનીય છે કે, ગત 19 જુલાઈની રાત્રે શેલાની શરણદીપ સોસાયટીમાં એક દીપડો બંગલાની દીવાલ કૂદીને ઘૂસ્યો હતો, જેના પગલે સોસાયટીના કૂતરા તેની પાછળ પડ્યા હતા. આ ઘટના બાદ આખો દિવસ વનવિભાગે સર્ચ ઓપરેશન ચલાવ્યું પરંતુ દીપડાનો કોઈ પત્તો મળ્યો નહોતો. હવે ત્યાંથી આશરે 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં ફરી દીપડો દેખાતાં આ એ જ દીપડો છે કે અન્ય કોઈ, તેને લઈને ભારે ચર્ચા જાગી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વનવિભાગ આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરે.

સ્થાનિકોમાં ભય: મોર્નિંગ વોક રદ અને સુરક્ષાની માંગ
અચાનક દીપડાની એન્ટ્રી થતાં વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશ શ્રેયાબેને જણાવ્યું કે, સાંજના અને રાતના સમયે અહીં અંધારું રહેતું હોવાથી અને લોકોની સતત અવરજવર હોવાથી અકસ્માતનો ડર રહે છે. આથી વનવિભાગ કે તંત્રે તાત્કાલિક અહીં નોટિસ બોર્ડ અને બેરિકેટ મૂકવા જોઈએ. જ્યારે અન્ય એક સ્થાનિક સુરેશભાઈએ જણાવ્યું કે, સવારે મિત્રો અને સમાચાર પત્રો દ્વારા દીપડાના સમાચાર મળતાં જ તેમણે સુરક્ષા ખાતર મોર્નિંગ વોક ટાળીને ઘરમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.

ઝાડી-ઝાંખરા અને એસ.પી. રિંગ રોડની સક્રિયતાથી જોખમ
ચાંદખેડા અને ઝુંડાલ આસપાસના વિસ્તારમાં રિંગ રોડ પર કેફે અને હેંગઆઉટ સ્પોટ્સ હોવાને કારણે રાત્રે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતા હોય છે. વળી, રોડની સામેના ભાગે ઘાટી બાવળની ઝાડીઓ આવેલી હોવાથી કોઈ પણ જંગલી જાનવર ત્યાં છુપાઈ શકે છે, જે માનવ જાનમાલ માટે મોટો ખતરો બની શકે છે. સ્થાનિકોએ સરકારને અપીલ કરી છે કે આ વિસ્તારની વ્યવસ્થિત સાફ-સફાઈ અને વિકસિત કરી સુરક્ષિત બનાવવામાં આવે.

અમદાવાદમાં દીપડાનો ભૂતકાળ અને વનવિભાગની સ્પષ્ટતા
અમદાવાદ આસપાસ દીપડો દેખાવાની આ પહેલી ઘટના નથી; આ પહેલાં વર્ષ 2021માં સાણંદના સનાથલ ગામની સીમમાં પણ દીપડાએ નીલગાયનું મારણ કર્યું હતું. રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (PCCF & HoFF) જયપાલ સિંહના જણાવ્યા મુજબ, અમદાવાદ જિલ્લામાં દીપડાની કોઈ કાયમી વસતિ નથી. પરંતુ ધરોઈ અને સાબરમતી નદીના પટ્ટા મારફતે ખોરાકની શોધમાં દીપડા ક્યારેક શહેરની સીમા સુધી આવી જતાં હોય છે અને બાદમાં પોતાના વિસ્તારમાં પરત ફરે છે.

સમગ્ર રાજ્યમાં હાલ અંદાજિત 2,600 જેટલા દીપડા છે (વર્ષ 2023ના અંદાજ મુજબ 2,294 નોંધાયા હતા). અમદાવાદ, ગાંધીનગર, ખેડા કે આણંદ જેવા જિલ્લાઓમાં તેમની સ્થાયી વસતિ નથી. વનવિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, જો દીપડો દેખાય તો તેની નજીક જવાનું કે તેને છછેડવાનું સાહસ ન કરવા અને તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા વિનંતી કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!