ભાજપના નવા પ્રમુખ જગદીશ પંચાલનું કોર ટીમ મિશન: સંગઠનને આખરી ઓપ, આ મોટા નામો છે ચર્ચામાં

ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ પંચાલ સંગઠનને મજબૂત કરવા કોર ટીમ બનાવી રહ્યા છે. આગામી 1 સપ્તાહમાં મોટા ફેરફાર નક્કી છે. મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રી પદ માટે સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કયા નામોની ચર્ચા છે, જાણો અહીં.

ગાંધીનગર, ગુરૂવાર
નિયુક્તિ થયા પછી ગુજરાત ભાજપના નવા સુકાની જગદીશ પંચાલ હવે એક્શન મોડમાં આવી ગયા છે. તેમનું મુખ્ય લક્ષ્ય આગામી પાલિકાની ચૂંટણીઓ જીતવાનું છે, અને તેના માટે સંગઠનને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા માટેની કવાયત જોરશોરથી ચાલી રહી છે. કમલમમાં અત્યારે ધમધમાટ શરૂ થઈ ગયો છે, અને સંકેતો સ્પષ્ટ છે કે આગામી 1 સપ્તાહમાં જ પ્રદેશ માળખામાં મોટા ફેરફારો જોવા મળશે.

નવા માળખા પાછળનો હેતુ શું છે?
આ ફેરફારોનો મુખ્ય હેતુ સંગઠનની કાર્યક્ષમતા વધારવાનો છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી પણ આ ફેરફારોને લીલીઝંડી મળી ગઈ છે. જગદીશ પંચાલ સામાજિક સમીકરણો અને રાજકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મજબૂત નવી ટીમ બનાવશે. આ ટીમમાં યુવા નેતાઓ અને અનુભવી જૂના જોગીઓનો સમન્વય જોવા મળી શકે છે.

કોર ટીમમાં કોના-કોના નામની ચર્ચા છે?
સંગઠનના માળખામાં કુલ 4 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, અને 8 મંત્રીની નિમણૂક થવાની સંભાવના છે. મહામંત્રી પદ માટે અલગ-અલગ વિસ્તારોમાંથી જે નામોની ચર્ચા ચાલી રહી છે, તે આ પ્રમાણે છે:

સૌરાષ્ટ્ર: અહીંથી મહામંત્રી પદ માટે 4થી 5 જેટલા નામો ચર્ચામાં છે, જેમાં ભરત બોઘરા, ધવલ દવે, ઉદય કાનગડ અને પ્રશાંત કોરાટના નામ મોખરે છે.
મધ્ય ગુજરાત: આ વિસ્તારમાંથી અર્જુનસિંહ ચૌહાણ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભરત ડાંગર અને ઋત્વિજ પટેલના નામ ચર્ચામાં છે.
દક્ષિણ ગુજરાત: અહીં ધવલ પટેલ, સંદિપ દેસાઈ અને પૂર્ણેશ મોદીને તક મળી શકે છે.
ઉત્તર ગુજરાત: આ વિસ્તારમાંથી મયંક નાયક અને હિતેશ પટેલના નામ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

આ નિમણૂકો ટૂંક સમયમાં, એટલે કે લગભગ 1 સપ્તાહમાં જ જાહેર થવાની પ્રબળ સંભાવના છે. નવા પ્રમુખ જગદીશ પંચાલની આ કોર ટીમ ગુજરાત ભાજપના સંગઠનને કેવી દિશા આપે છે, તેના પર સૌની નજર રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!