વિન્ડોઝ 11માં AIનો જાદુ: હવે તમારું કમ્પ્યુટર તમારી સાથે વાત કરશે!

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 11માં AI લાવવા જઈ રહ્યું છે. કોપાઇલટ હવે ફક્ત ચેટબોટ નહીં, પણ આખી ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બનશે. જાણો કેવી રીતે તમારું કમ્પ્યુટર તમારી સાથે વાત કરશે અને તમારા કામ સરળ બનાવશે.

અમદાવાદ, રવિવાર
માઇક્રોસોફ્ટ હવે એક એવું શાનદાર ફીચર લાવી રહ્યું છે, જે કમ્પ્યુટર વાપરવાની રીતને સદંતર બદલી નાખશે. કંપની તેમની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એટલી હદે જોડી દેશે કે દરેક કમ્પ્યુટર ખરા અર્થમાં AI કમ્પ્યુટર બની જશે. આ માત્ર એક નાનું અપડેટ નથી, પણ ટેક્નોલોજીની દુનિયામાં એક નવું પગલું છે.

માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને કન્ઝ્યુમર ચીફ માર્કેટિંગ ઓફિસર, યુસુફ મેહદી એ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, “અમને લાગે છે કે અમે એક નવું રેવોલ્યુશન લાવવા જઈ રહ્યા છીએ.” અત્યાર સુધી આપણે AI નો ઉપયોગ મોબાઇલ અથવા અલગ સર્વિસ દ્વારા કરતા હતા, પણ હવે તે સીધો કમ્પ્યુટરની સિસ્ટમમાં જ સામેલ થઈ જશે. જેમ આઇફોનમાં સિરી છે, તે જ રીતે વિન્ડોઝમાં કોપાઇલટને એકદમ નજીકથી જોડી દેવામાં આવશે.

તમારું કમ્પ્યુટર તમારી સાથે વાત કરશે
આ નવા ફીચરથી યુઝર્સને હવે કામ કરવા માટે કમ્પ્યુટરને માત્ર કમાન્ડ આપવાનો રહેશે. યુસુફ મેહદીના કહેવા પ્રમાણે, “યુઝર હવે તેમના કમ્પ્યુટર સાથે વાત કરશે. યુઝરની દરેક વાતને કમ્પ્યુટર સમજશે અને ત્યાર બાદ યુઝર માટે જાદુઈ રીતે કામ થઈ જશે.” વિન્ડોઝ 11 માં AI ના સમાવેશથી યુઝર્સ તેમના રોજિંદા કામ માટે આ ફીચરનો ઉપયોગ કરી શકશે. અત્યાર સુધી યુઝર્સ કોપાઇલટ કે બીજા ચેટબોટનો અલગથી ઉપયોગ કરતા હતા, પણ હવે તે સિસ્ટમનો જ ભાગ હશે.

અવાજ બનશે નવું ઇનપુટ
આ ફીચરની સૌથી મોટી વાત એ છે કે હવે તમારો અવાજ જ ઇનપુટ એટલે કે કમાન્ડ તરીકે કામ કરશે. મેકબુકમાં Hey Siriની જેમ વિન્ડોઝમાં પણ Hey Copilot કહેવાથી AI ફીચર એક્ટિવેટ થઈ જશે. આ પછી તમે અને તમારું કમ્પ્યુટર સીધી વાતચીત કરી શકશો.

યુસુફ મેહદીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર માઉસ અને કીબોર્ડની જગ્યા તો નહીં લે, પણ યુઝરનું કામ ચોક્કસપણે ઘણું સરળ બનાવશે.

કોપાઇલટ હવે સ્ક્રીનને પણ સમજશે
માઇક્રોસોફ્ટ હાલમાં કોપાઇલટના વિઝન ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે. આ ફીચરમાં AI તમારી કમ્પ્યુટર સ્ક્રીનને સ્કેન કરશે, જેમાં ફોટો કે ડોક્યુમેન્ટ પણ હોય શકે છે, અને તેના આધારે તમારા સવાલોના જવાબ આપશે.

વળી, કોપાઇલટ એક્શન ફીચર દ્વારા AI તમારા કમ્પ્યુટર માટે કામ પણ કરી આપશે. ઉદાહરણ તરીકે, જો યુઝરના ફોટો ભરેલા એક ફોલ્ડરને એડિટ કરવાનું હશે, તો માઇક્રોસોફ્ટનું AI તે કામ પળવારમાં કરી દેશે.

આ બધા ફીચર્સને સરળતાથી એક્સેસ કરવા માટે માઇક્રોસોફ્ટ હવે ટાસ્કબાર માં પણ કોપાઇલટનો સમાવેશ કરી રહ્યું છે. એક જ ક્લિકથી યુઝર વોઇસ કે વિઝન ફીચરનો ઉપયોગ કરી શકશે. માઇક્રોસોફ્ટ હવે કોપાઇલટને માત્ર એક ચેટબોટ તરીકે નહીં, પણ એક AI ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોઈ રહ્યું છે. આ આવનારા સમયમાં કમ્પ્યુટિંગને એક નવી જ દિશા આપશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!