ભૂતપૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ અનિલ સહનીએ બુધવારે RJD છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો ખેસ ધારણ કર્યો છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને તેના પ્રમુખ તેજસ્વી યાદવને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લાની કુઢની વિધાનસભા બેઠક પરથી ભૂતપૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ અનિલ સહનીએ બુધવારે RJD છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો ખેસ ધારણ કર્યો છે.
આ ચૂંટણીમાં લાલુ અને તેજસ્વી યાદવે અનિલ સહનીને પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવ્યા હતા, તેમ છતાં તેમણે RJD પ્રદેશ અધ્યક્ષ મંગનીલાલ મંડલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યાર બાદ તરત જ પટનામાં આયોજિત મિલન સમારોહમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં તેમણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય આશા દેવી પણ ભાજપમાં જોડાયા હતા.
અનિલ સહની કુઢની વિધાનસભા બેઠક પરથી RJDની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ એલટીસી (LTC) કૌભાંડમાં દિલ્હીની કોર્ટ દ્વારા બે વર્ષની સજા થતાં તેમની ધારાસભ્ય પદ રદ્દ થયું હતું. કોર્ટે તેમના ચૂંટણી લડવા પર પણ ૩ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. તેમની બેઠક ખાલી પડ્યા બાદ થયેલી ૨૦૨૨ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેદાર પ્રસાદે જીત મેળવી હતી. RJDના સ્ટાર પ્રચારકનું આ રીતે પક્ષપલટો કરવું એ ચૂંટણી પહેલાં લાલુ-તેજસ્વીના મોરચા માટે મોટો આંચકો માનવામાં આવે છે.










