વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ,દક્ષિણ આફ્રિકાને પણ મળી મોટી રકમ

આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૨ નવેમ્બર (રવિવાર) ના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમાયેલી આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ભારતનો પ્રથમ મહિલા વર્લ્ડ કપ ખિતાબ છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ ૪૫.૩ ઓવરમાં ૨૪૬ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમનું ખિતાબી જીતનું સપનું અધૂરું રહી ગયું હતું.

ચૅમ્પિયન બનનાર ભારતીય મહિલા ટીમ પર આ સાથે જ રેકોર્ડબ્રેક ઇનામી રકમની વર્ષા થઈ છે. મહિલા વનડે વર્લ્ડ કપના ૧૩મા સંસ્કરણની વિજેતા ભારતીય ટીમને ૪.૪૮ મિલિયન ડોલર (લગભગ ૪૦ કરોડ રૂપિયા) ની ઇનામી રકમ મળી છે. આ રકમ વર્ષ ૨૦૨૨ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને મળેલી ૧.૩૨ મિલિયન ડોલરની રકમ કરતાં ૨૩૯ ટકા વધુ છે. જ્યારે રનર અપ (ઉપવિજેતા) રહેલી સાઉથ આફ્રિકાની ટીમને પણ સારી એવી રકમ મળી છે, જેમાં તેમને ૨.૨૪ મિલિયન ડોલર (લગભગ ૨૦ કરોડ રૂપિયા) મળ્યા છે.

વધુમાં, સેમિફાઇનલમાં હારનાર બંને ટીમો ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને સમાન ૧.૧૨ મિલિયન ડોલર (લગભગ ૯.૩ કરોડ રૂપિયા) મળ્યા છે. અંકતાલિકામાં ૫મા અને ૬ઠા સ્થાને રહેલી ટીમો શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડને સમાન ૭૦૦,૦૦૦ ડોલર (લગભગ ૫.૮ કરોડ રૂપિયા) અને ૭મા તથા ૮મા સ્થાને રહેલી ટીમો બાંગ્લાદેશ અને પાકિસ્તાનને સમાન ૨૮૦,૦૦૦ ડોલર (લગભગ ૨.૩ કરોડ રૂપિયા) મળ્યા છે. આ ઉપરાંત, ભાગ લેનાર દરેક ટીમને આઇસીસી તરફથી ૨૫૦,૦૦૦ ડોલર (લગભગ ૨ કરોડ રૂપિયા) ની ગેરંટી મની અને દરેક મેચમાં જીત માટે ૩૪,૩૧૪ ડોલર (લગભગ ૨૮ લાખ રૂપિયા) વધારાના મળ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!