પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર સામૂહિક બળાત્કારની ગંભીર ઘટના સામે આવી છે, જેણે રાજધાની કોલકાતાના દમદમ વિસ્તારને હચમચાવી દીધું છે.

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર સામૂહિક બળાત્કારની ગંભીર ઘટના સામે આવી છે, જેણે રાજધાની કોલકાતાના દમદમ વિસ્તારને હચમચાવી દીધું છે. આ વખતે ધોરણ સાતમાં ભણતી એક સગીર વિદ્યાર્થિની આ હેવાનિયતનો ભોગ બની છે. આ કેસમાં પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, શનિવારે સાંજે જ્યારે વિદ્યાર્થિની ટ્યુશનમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. આરોપીઓમાંથી એક તેને બળજબરીથી ઈ-રિક્ષામાં બેસાડીને થોડે દૂર આવેલી એક ઝૂંપડીમાં લઈ ગયો, જ્યાં અન્ય બે વ્યક્તિઓ પણ જોડાયા હતા અને તેમણે સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો.
પીડિતાની ફરિયાદ મુજબ, આરોપીઓએ તેને કોઈને પણ કશું ન કહેવાની ધમકી આપી હતી. ઘટના બાદ છોકરીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ કેસ નોંધીને શનિવાર રાત્રે જ દમદમ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ રવિવારે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે દમદમ પોલીસ સ્ટેશનની બહાર દેખાવો કર્યા હતા.











